સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા જલસા પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણી
નિષ્ણાંતો દ્વારા અપાતી નિ:શુલ્ક તાલીમ
અગ્ર ગુજરાત, રાજકોટ
સન 2013 થી ‘જલસા પરિવાર’ નામે એક યોગા ગ્રુપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌજન્યથી ખુલ્લાં પટાંગણમાં સવારે છ થી સાત દરમિયાન એક કલાક યોગાની પ્રવૃતિ કરે છે.આજે પણ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ અંતર્ગત આ ગ્રુપ દ્વારા યોગા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જલસા પરિવારના સભ્ય વિઠ્ઠલ વઘાસિયા પરિવાર વિશે વિગતે વાત કરતા જણાવે છે કે,2013થી આ પ્રવૃત્તિ કરી રહેલા જલસા પરિવારમાં સો થી સવાસો જેટલાં 27 વર્ષથી માંડીને 77 વર્ષ સુધીના અર્થાત્ આબાલ – વૃદ્ધ ભાઈ – બહેનો દરરોજ વહેલી સવારે છથી સાત સુધી એક કલાક માટે એકઠાં થાય છે.જેમાં ચારથી પાંચ જુદી જુદી ફેકલ્ટીના ડોક્ટર પણ આવે છે.જુદાં જુદાં ક્ષેત્રના નિવૃત્ત અધિકારીઓ પણ આવે છે,તો વળી ઉદ્યોગપતિઓ,બિઝનેસમેન, શિક્ષણશાસ્ત્રીઓ અને પત્રકારો પણ આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે.કોઈપણ જાતની ફી વગર નિ:શુલ્ક ચલાવવામાં આવતું આ સંગઠન છે.આ પરિવારમાં કોઈપણ નાત જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે.આ ગ્રુપનું સંચાલન નિવૃત્ત ડીવાયએસપી(DySP)રામભાઈ ઓડેદરા કરે છે.તેમની મદદમાં સર્વ જયસુખભાઈ ડોબરીયા,જગદીશભાઈ રોજમાળા,અંજનાબેન ત્રિવેદી-પટેલ, દીપકભાઈ પટેલ,ચેતનભાઈ આસોદરિયા વગેરે ભાઈ – બહેનો કોચ તરીકેની સેવા આપે છે.


