દિકરીઓ લગ્ન માટે સ્વતંત્ર, માતા-પિતાનો વિશ્વાસ જરૂરી : રમેશભાઇ ટીલાળા
પ્રેમલગ્ન બાબતે ધારાસભ્યનું ટકોર કરતું નિવેદન : તમામ સમાજના અગ્રણીઓએ પણ આગળ આવવું જોઇએ : માતા પિતાની અપેક્ષા મુજબ આગળ ચાલવા સૂચન
અગ્ર ગુજરાત, રાજકોટ
પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ બાદ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ ડ્રમર જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે આ મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, દીકરીઓએ પોતાના માતા પિતા અને વાલીઓના માર્ગદર્શનમાં જ લગ્ન કરવા જોઈએ. લગ્ન કરવા એ દીકરીનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ માતા-પિતાને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. હાલ જે બનાવો બની રહ્યા છે તે યોગ્ય નથી. લગ્ન માટેનો કાયદો છે પરંતુ તે માટે તમામ સમાજના વડીલોએ પણ આગળ આવવું જોઈએ.
રાજકોટના ધારાસભ્ય અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની સાથે દરેક સમાજના લોકો અને દીકરીઓને સંદેશ આપું છું કે તેમને પોતાના માતા પિતા અને વાલીઓના માર્ગદર્શન હેઠળ જ લગ્ન કરવા જોઈએ. જે કંઈ બનાવો બને છે તે ન બનવા જોઈએ. દીકરીઓને લગ્નનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ તેના માતા-પિતાને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. પાટીદાર દીકરીઓને વિનંતી કરું છું કે તમારા માતા પિતાએ તમારા પર ઘણી અપેક્ષા રાખી હોય તો તેમની અપેક્ષા મુજબ જ આગળ ચાલવું જોઈએ.
પાટીદાર દીકરીઓને સિંગર બનવું કે ન બનવું તે તો તેનો સ્વતંત્ર નિર્ણય છે. તેમનામાં રહેલી કળા હોય તે તો બહાર આવવાની જ છે. જોકે પોતાની સંસ્કૃતિ પ્રમાણે આગળ વધવું જોઈએ અને સંસ્કૃતિ જાળવવી જોઈએ. લગ્નને લઈને કાયદા બાબતે કહ્યું કે કાયદા તો બનતા હોય પરંતુ તેની સાથે સમાજની જાગૃતિ પણ જરૂરી છે. દરેક સમાજના વડીલોએ પણ આગળ આવીને પ્રયત્નો કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજના અગ્રણી હિરેન ભેસાણીયા (રુદ્રા) એ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકીને સમગ્ર સમાજને જાગૃત થવા અપીલ કરી છે. તેમણે પાટીદાર સમાજના તમામ મંડળો, સંસ્થાઓ અને આયોજકોને સંગઠિત થવા આહવાન કર્યું છે કે, હવે પછી સમાજના એક પણ સામાજિક, ધાર્મિક કે રાસોત્સવના કાર્યક્રમમાં ગાયિકા રિદ્ધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને મંચ પર સ્થાન આપવામાં ન આવે. સમાજના ગૌરવ અને સંસ્કારોને ઠેસ પહોંચાડનારા કલાકારોનો સામાજિક સ્તરે બહિષ્કાર થવો જોઈએ તેવી માગ ઉઠી છે.


