ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
ચોરી કર્યા બાદ મુસાફરની બેગ યથાવત જગ્યાએ ગોઠવી દેતો : રોજીરોટી છીનવાઈ જતાં ટ્રેનમાં ચોરી કરવાની લત લાગી : રૂ.૧.3૬ લાખનો મુદામાલ જપ્ત કરતી રાજકોટ રેલવે એલસીબી
અગ્ર ગુજરાત, રાજકોટ
ચાલતી ટ્રેને મુસાફરના બેગ ચોરી દાગીના-રોકડ કાઢી નાસી છૂટતો વેરાવળના સાતીર ચોરને રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે દબોચી રૂ..1.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ચોર નિંદ્રાધીન મુસાફર પાસે પાડેલ બેગ ચોરી બાથરૂમમાં લઈ જઈ કિંમતી મુદામાલ કાઢી પરત રાખી દેતો હતો.
બનાવ અંગે સુરતના આમરોલી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સોનુકુમાર રેલ્વે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, તે તેના પરીવારના સભ્યો સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવવા માટે ગઇ તા.07 ના રાત્રીના સમયે ઓખા-સોમનાથ એકસ. ટ્રેન નં.19252 19252ના કોચ નં. ખ-22ના સીટ નં. 7,8,52 પર બેસી દુગરકાથી વેરાવળ રેલ્વે સ્ટેશન સુધીની મુસાફરી કરતા હતા.
જેમાં 7 નંબરની સીટ પર પત્ની સંગીતાસીંગ મુસાફરી કરતા હતા. તે દરમ્યાન રાત્રીના સમયે પત્નીને ઉંઘ આવતા ઉંઘી ગયેલ હતી. બીજા દિવસે વ્હેલી સવારે 04/30 વાગ્યા આસપાસ માતા પાણી પીવા માટે ઉઠેલ અને પાણીની બોટલ પત્નીની સીટ નીચે રાખેલા કાળા કલરના બેગમાં હોય તે જોવામાં ન આવતા પત્નીને ઉંઘમાંથી જગાડીને પુછપર છ કરેલ કે બેગ કયાં છે ? જે બેગ જોવામાં ન આવતા કોચમાં બેગની તપાસ કરતા હતા તે દરમ્યાન સીટ નં. 15 ઉપર મુસાફરી કરતી એક અજાણી મહિલાએ આવીને જણાવેલ કે, એક કાળા કલરનો બેગ બાથરૂમમાં પડેલ છે, જેથી બાથરૂમમાં જઈને તપાસ કરતા કાળા કલરનો બેગ ત્યાં પડેલ હોય જેમાં રહેલ સોનાના દાગીના અને રોકડ મળી રૂ.99443 નો મુદામાલ જોવા ન મળતા ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી બનાવનો ભેદ ઉકેલવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથીપશ્ર્વિમ રેલ્વે એલસીબી પીઆઈ જે.આર.દેસાઈની રાજબરીમાં પીએસઆઇ જે.એમ.પરમાર અને ટીમે તપાસ આદરી હતી.
તે દરમિયાન હયુમન રિસોર્સના માધ્યમથી પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, અને કોન્સ્ટેબલ ભુપતભાઈને સંયુકત ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, ઇસ્માઇલ ઇકબાલભાઇ તુરક (રહે.વેરાવળ જી.ગીર સોમનાથ) પોતે રનીંગ ટ્રેનમાં રાત્રીના સમયે ચોરી કરતો હોય અને જે ચોરીથી મેળવેલ મુદામાલ સાથે નીકળનાર છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા મળેલ હકિકત આધારે એલ.સી.બી. રાજકોટની ટીમ અને આર.પી.એફ. ક્રાઇમ ભાવનગરની ટીમ માણસો વોચમાં હતા તે દરમ્યાન તે શખ્સ મળી આવતા ઇસ્માઇલ ઇકબાલ તુરક (ઉ.વ.23) ની ધરપકડ કરી તેની પાસેથી સોનાની ધાતુના દાગીનાઓ, તથા ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.1.36 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી તથા મુદામાલ જુનાગઢ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ ચાલતી ટ્રેનમાં જ ચોરીને અંજામ આપતો હતો. તે કોઈપણ ડબ્બામાં મુસાફર સૂઈ ગયેલ હોય તેમની નજીક પડેલ થેલા કે પર્સને ઉઠાંતરી કરી બાથરૂમમાં ચાલ્યો જતો હતો અને ત્યાં બાથરૂમમા બેગમાં રહેલ કીમતી મુદ્દામાલ કાઢી પરત થેલો જે તે જગ્યાએ મૂકી નાસી છૂટવાની મોડસ ઓપરંડી ધરાવતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી પહેલા વેરાવળમાં કોઈ કારખાનામાં નોકરી કરતો હતો જ્યાંથી તેને કાઢી મુકતા ચોરીના રવાડે ચડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


