જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો
૨૦૭૨ બોટલ સહિત રૂ.3.૮૨ લાખનો મુદામાલ જપ્ત
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નશાબંધીની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ‘Zero Tolerance to prohibition & gambling’ ની નીતિ પર કામ કરી રહી છે. આ સૂચનાના ભાગરૂપે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એલ. આહિર અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુરના ખીરસરા રોડ પર આવેલ ગાલોલીયા નદીના પુલ પાસે એક ઈસમ ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈને ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા દિલીપભાઈ ઉર્ફે દિલુ કાળુભાઈ વાળા (રહે. ભોજાધાર, જેતપુર) ને ઝડપી લીધો હતો.
પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની ‘RITZ RESERVE SUPERIOR GRAIN WHISKY’ લખેલી ૧૮૦ એમ.એલ.ના માપની કુલ ૨૦૭૨ પ્લાસ્ટિકની બોટલ (ચપલા) જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂપિયા ૩,૫૨,૨૪૦ થાય છે. દારૂ ઉપરાંત એક મોટરસાયકલ અને એક મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ રૂપિયા ૩,૮૨,૨૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રવિ ઉર્ફે ઠાકોર મેરામભાઈ મરતોલીયાનું નામ પણ ખુલ્યું છે, જેને પકડવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.


