રાજકોટ સહિતની અદાલતમાં જજોની જગ્યા ખાલી, ફાઇલોના થપ્પા લાગ્યા
ગ્રાહક અદાલતમાં ફરજ બજાવતા ન્યાયધીશો પર કામનું ભારણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજયભરની કોર્ટમાં ન્યાયધીશોની જગ્યા ખાલી હોવાથી મોટાભાગના કેસોના નિકાલ નહી થતાં પેન્ડીંગ ફાઇલોના થપ્પા લાગ્યા છે અને ઘણા લોકો ન્યાયની રાહમાં છે. રાજકોટ સહિત રાજયભરની અદાલતોમાં તાકીદે જજોની નિમણુંક કરવા રાજકોટના એડવોકેટ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.
રાજકોટ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહક અદાલતોમાં જજોની જગ્યાઓ ખાલી છે જેથી ગ્રાહક અદાલતોમાં ફરજ બજાવી રહેલા જજો ઉપર કામનું ભારણ વધી જાય છે. ઉપરાંત ગ્રાહક અદાલતોમાં જજોની જગ્યાઓ ખાલી હોવાથી ગ્રાહકો અને વકિલ મિત્રોને ન્યાય મેળવવામાં થતા વિલંબને કારણે સમય, શક્તિ અને વધારાનો નાણાકીય બોઝ સહન કરવો પડે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય ગ્રાહકોમાં જાગૃતિ આવે અને તેમને ત્વરિત ન્યાય મળી રહે તે રહ્યો છે ત્યારે ગ્રાહક અદાલતોમાં જજોની જગ્યાઓ ખાલી હોવાથી આ ધ્યેય હાંસલ કરવામાં અંતરાયો ઊભા થઈ રહ્યા છે. આ બાબતે રાજકોટ કન્ઝ્યુમર લો પ્રેક્ટીશનર્સ એસોસિયેશન દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે અને રાજકોટ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જજોની જગ્યાઓ તાકિદે ભરવામાં આવે તે માટે યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ સરકારને અનુરોધ કરેલ છે.


