વકીલો આરપારના મૂડમાં : સોમવારે રાજકોટની તમામ અદાલતમાં હડતાળ
કામકાજથી અલિપ્ત રહેવા બાર એસોસીએશનનું સત્તાવાર એલાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ બાર એસોસિએશન અને જ્યુડિશિયરી વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે રાજકોટ બાર એસોસિએશને તા.29ને સોમવારે રાજકોટની તમામ અદાલતોમાં વ્યાપક હડતાળ અને કામકાજથી અલિપ્ત રહેવાનું સત્તાવાર એલાન કર્યું છે. જેમાં મુખ્ય સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ અને બાળ અદાલતની કામગીરીથી વકીલો અડગા રહેશે.
રાજકોટ બાર એસોસિએશનની કારોબારી સમિતિની મળેલી તાકીદની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, અગાઉ તારીખ 18ના રોજ જનરલ બોર્ડની મિટિંગમાં મેજિસ્ટ્રેટ ડી. ડી. શાહ તથા એચ.વાય. ગુપ્તાની કોર્ટનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ અંગે રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ ઠરાવની જાણ ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ તથા અદાલતના વહીવટી જજને પણ કરવામાં આવી હતી. જોકે, આજ દિવસ સુધી વકીલોના આ મહત્ત્વના પ્રશ્નોનું કોઈ વાજબી નિરાકરણ આવ્યું નથી અને જે-તે કોર્ટનો ચાર્જ પણ અન્ય ન્યાયાધીશને સોંપવામાં આવ્યો નથી, બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, વકીલોની આ હડતાલના કારણે નિર્દોષ પક્ષકારોને કોઈ કાનૂની નુકસાન ન થાય તે માટે તમામ ન્યાયાધીશને અપીલ કરવામાં આવી છે કે, સોમવારે વકીલોની ગેરહાજરીના કારણે કોઈપણ કેસમાં વકીલ કે પક્ષકાર વિરુદ્ધના આકરા હુકમો (જેવા કે વોરંટ, સ્ટે નકારવા કે કેસ ડિસમિસ કરવા) ન ફરમાવવામાં આવે અને કેસોમાં યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવામાં આવે.
વકીલોના પડતર પ્રશ્નો અને આ ચાર્જ સોંપવા અંગેની માગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી તારીખ 11 જુલાઇના રોજ યોજાનારી રાષ્ટ્રીય ‘લોકઅદાલત’નો પણ બાર એસોસિએશન બહિષ્કાર કરાશે. જો આમ થશે તો હજારો કેસોના સમાધાનની પ્રક્રિયા અટકી જશે.


