વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત
GPSCની સંયુકત પરીક્ષા યોજવાનો પ્રસ્તાવ : ૨૭ વિભાગને પત્ર લખી ભરતી નિયમમાં સુધારો કરવા સામાન્ય વહિવટની ભલામણ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી માટે અત્યાર સુધી જે પાંચ અને ત્રણ વર્ષના અનુભવની જરુરિયાત હતી તે દૂર કરી દેવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સામાન્ય વહીવટ વિભાગ (GAD) તમામ અધિક મુખ્ય સચિવો (ACS)ને લખવામાં આવેલો પત્ર હાથ લાગ્યો છે. જેમાં વહીવટી અધિકારીઓની ભરતીમાંથી અનુભવની ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીપીએસસીની સંયુક્ત પરીક્ષા યોજવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જે ભરતી કરવામાં આવે તેમાં કોઈપણ સ્નાતકને તક આપવાની પણ વિચારણા છે. જો ભરતી નિયમોમાં આ ફેરફાર લાગુ કરવામાં આવે છે તો એ ઉમેદવારો માટે વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાના દરવાજા ખુલ્લી જશે કે જેઓ અનુભવ ન હોવાના કારણે ભરતીથી વંચિત રહેતા હતા.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ 27 વિભાગને પત્ર લખી ભરતી નિયમોમાં સુધારાની દરખાસ્ત કરવા જણાવવામાં આવ્યું છે. જે દરખાસ્તો થયા બાદ સામાન્ય વહીવટી વિભાગ નવા ભરતી નિયમોની જાહેરાત કરી શકે છે.
સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તમામ અતિરિક્ત મુખ્ય સચિવો (ACS)ને મોકલાયેલા પત્રથી ભરતી પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારાની વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.વર્ગ-1 અને વર્ગ-2ના વહીવટી અધિકારીઓની ભરતીમાંથી અનુભવની ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારની વિચારણા મુજબ, હાલ વર્ગ-1 માટે 5 વર્ષ અને વર્ગ-2 માટે 3 વર્ષનો અનુભવ જરૂરી હોવાની શરત નાબૂદ કરવામાં આવી શકે છે. આ સાથે કોઈપણ સ્નાતક ઉમેદવારને પરીક્ષા આપવાની તક મળે તે દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત GPSC દ્વારા લેવામાં આવતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં બંને સંવર્ગોની ભરતીનો સમાવેશ કરવાનો પણ પ્રસ્તાવ છે.
GAD દ્વારા GPSCને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યું છે. પત્રમાં ભરતી સંસ્થાઓ પરનું ભારણ ઘટાડવું, નિયમિત ભરતી પ્રક્રિયા યોજવી અને લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ઝડપથી ભરવી જેવા તર્ક રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નિર્ણય અને સવાલ ઉઠાવતા વિદ્યાર્થી નેતા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ નિર્ણય અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રથમ નજરે આ નિર્ણય લાખો ડિગ્રીધારક યુવાનો માટે લાભદાયી જણાય છે, પરંતુ જો અગાઉ અનુભવને જરૂરી ગણવામાં આવતો હતો તો હવે તે શા માટે દૂર કરવામાં આવી રહ્યો છે તેની સરકાર અને GPSCએ સ્પષ્ટતા કરવી જોઈએ. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભરતી અને પરીક્ષાઓ સમયસર લેવામાં નિષ્ફળ રહેલા તંત્રએ ભરતી પ્રક્રિયામાં સુધારો કરવાને બદલે અનુભવનો નિયમ જ દૂર કરવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે વર્ગ-1 અને વર્ગ-2 જેવા જવાબદારીભર્યા પદો પર અનુભવ વગરની ભરતી પાછળનું કારણ જાહેર થવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે નિયમોમાં ફેરફાર કરવો ખોટો નથી, પરંતુ યુવાનોને માત્ર વધુ ફોર્મ ભરાવવાના બદલે સમયસર ભરતી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયા અને કૌભાંડમુક્ત પરિણામોની ગેરંટી આપવી જરૂરી છે. GPSC અને સામાન્ય વહીવટ વિભાગે આ સમગ્ર મામલે ખુલાસો કરવો જોઈએ તેવી માંગ પણ તેમણે કરી છે.


