કોંગ્રેસે લાદેલી કલંકિત કટોકટીનો કાળો દિવસ પ્રજા ક્યારેય નહી ભૂલે : રાજુભાઈ ધ્રુવ
આજે બંધારણ હત્યા દિવસ : કોંગ્રેસે સત્તાની લાલસામાં કટોકટી લાદી લોકશાહીને કેદી બનાવી નાખી હતી : રાજુભાઈ ધ્રુવ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજે ૨૫ જુનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીની કડવી યાદોનો કાળો દિવસ છે. કોંગ્રેસે લગાવેલી કટોકટીને ૫૧ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતની મહાન લોકશાહી તથા બંધારણીય અધિકારો,લોકતાંત્રિક મૂલ્યોને જોખમમાં મૂકી સર્વસત્તાધીશ બનવાના મેલા મનસૂબા સાથે ૨૫ મી જૂન, ૧૯૭૫ ના રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા, કોઇપણ જાતના કા૨ણ વગ૨, માત્ર પોતાની સત્તા બચાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી. ભારતમાં લોકશાહીના અસ્તિત્વ સામે ગંભીર પડકાર ઉભો થતાં દેશ હચમચી ગયો હતો. અગાઉના બ્રિટિશકાળની બાહ્ય ગુલામી કરતાં આ આંતરિક સ્વદેશી સરકારની ગુલામી વધુ ગૂંગળાવનારી હતી. આ કટોકટીએ દેશને સ્તબ્ધ બનાવી દીધો હતો. લોકાના મૂળભૂત અધિકારો મિટાવી દેવાયા, અખબારોને ગળાચીપ દેવાઇ, અદાલતોને પાંગળી બનાવી દેવાઇ, સંસદને નિષ્ક્રિય બનાવી દેવાઇ,રાષ્ટ્રવાદી સંસ્થા રા.સ્વ.સંઘ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો, વિપક્ષી અને વિરોધી રાજકીય નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા અને ૬૦ કરોડ લોકોના આઝાદ રાષ્ટ્રને રાતોરાત ગુલામીના અંધકારયુગમાં ધકેલી દેવાનું ‘મહાપાપ’ આ કોંગ્રેસે કર્યુ હતું.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે કટોકટી કાળમાં કોંગ્રેસે નૈતિકતાના અને માનવીય વ્યવહારનાં તમામ ધોરણોને નેવે મૂકી દીધાં હતાં. કટોકટી દરમ્યાન કોંગ્રેસી સરમુખત્યાર શાસકોએ સંઘ -જનસંઘના કાર્યકર્તાઓ સાથે જે અમાનવીય વ્યવહા૨ અને ઘાતકી જુલ્મો આચર્યા હતા તે જોઇને આઝાદી જંગના શહીદોની યાદ તાજી થઇ જાય છે.


