જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો
પુત્રીની કસ્ટડીને લઈને સતત ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ ; બે વર્ષની માસૂમ સાથે પાણીના ટાંકામાં ઝંપલાવનાર પતિના મોત મામલે પોલીસ કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણમાં બે વર્ષની પુત્રી સાથે પિતાએ પાણીના ટાંકામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યાના ચકચારી બનાવમાં હવે નવો વળાંક આવ્યો છે. મૃતક યુવાન ફયાઝ પરીયાણીને તેની પત્ની અને તેના પ્રેમી દ્વારા સતત માનસિક ત્રાસ તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે જસદણ પોલીસે બંને વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતા ફયાઝ પરીયાણીના લગ્ન આશરે સાત વર્ષ પહેલાં ફિરદોષ મુંઢવા સાથે થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન તેમને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ફિરદોષ અને જસદણના હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણી વચ્ચે પ્રેમસંબંધ હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ બાબતની જાણ થતાં ફયાઝ માનસિક રીતે તૂટી ગયો હતો, જોકે પરિવાર અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે કોઈ મોટો વિવાદ ઉભો કર્યો નહોતો. ફરિયાદ મુજબ થોડા દિવસો પહેલાં ફિરદોષ અચાનક ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ તેણે પરિવારના આગેવાનો સાથેની વાતચીતમાં ફયાઝ સાથે રહેવાની ના પાડી હતી અને પ્રેમી સાથે જીવન વિતાવવાની વાત કરી હતી. આ ઘટનાએ ફયાઝને વધુ આઘાત પહોંચાડ્યો હતો.
પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ત્યારબાદ હુસેન ઉર્ફે લાલાએ ફયાઝને ફોન કરી તેની પુત્રી નૂરફાતીમાને પોતાની પાસે મોકલી આપવાની માંગ કરી હતી. એટલું જ નહીં, બાળકીને સોંપવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બાદમાં ફિરદોષે પણ ફયાઝ સાથે વાતચીત દરમિયાન પુત્રીને સોંપવા દબાણ કર્યું હતું અને ખોટા કેસમાં ફસાવવાની તથા ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
આ સતત દબાણ અને ધમકીઓના કારણે ફયાઝ ભારે માનસિક તણાવમાં રહેતો હતો. તેણે પરિવારજનો સમક્ષ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને પુત્રીને છોડવા તૈયાર ન હોવાની વાત કરી હતી. જોકે ધીમે ધીમે વધતા ત્રાસ વચ્ચે તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું પરિવારનું કહેવું છે.
ગત 22મી તારીખની રાત્રે પુત્રી નૂરફાતીમા અસ્વસ્થ હોવાથી પરિવાર આખી રાત જાગતો રહ્યો હતો. સવારે થોડો સમય આરામ કરવા ગયા બાદ ફયાઝ અને તેની પુત્રી અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયા હતા. શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ ઘર ઉપર આવેલા પાણીના ટાંકામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
બનાવ બાદ મૃતકની માતા હસીનાબેન પરીયાણીની ફરિયાદના આધારે જસદણ પોલીસે ફિરદોષ મુંઢવા અને હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણી સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.


