ડુપ્લીકેટ ગુજરાત મોડલ! નકલી IPS અને બ્રાન્ડના નામે વેંચાતા કપડા, ચશ્મા મળ્યા
કાલુપુર રેલવે સ્ટેશન પર રોફ જમાવનાર નકલી IPSની ધરપકડ: આનંદનગરમાં શો-રૂમમાં ઈન્ટરનેશનલ કંપનીઓની નકલી પ્રોડક્ટસ ગ્રાહકોને પધરાવવાનું કૌભાંડ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત હવે નકલી મોડ બનતું જતું હોય તેવો ઘાટ સર્જાયો છે છાશવારે ડુપ્લીકેટ વસ્તુઓ ઝડપાઈ રહી છે. ખાદ્યચીજ ઉપરાંત અધિકારીઓ, કચેરી, કર્મચારીઓ પકડાઈ રહ્યા છે. હાલ કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી ઝડપાયો હતો તેમજ અમદાવાદના આનંદનગરમાંથી બ્રાન્ડેડ કપડાના ડુપ્લીકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં કારમાં આવેલા એક યુવાને ટ્રાફિક પોલીસ સામે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને ટ્રાફિક પોલીસને પોતે IPS જોન ડેનિયલ તરીકે ઓળખ આપીને બેફામ અપશબ્દો કહીને તેની વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આ ગંભીર ઘટના સંદર્ભે ભોગ બનનાર કોન્સ્ટેબલ અજય દેસાઈએ કાલુપુર રેલવે પોલીસ મથકમાં કથિત IPS સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા ફરજ પર હાજર પોલીસ કર્મચારી સાથે એક વ્યક્તિએ પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપીને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આરોપી પોલીસ જવાન સામે ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલી ધક્કો મારી ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, તેણે પોલીસ યુનિફોર્મમાં ખેંચતાણ કરી “મને સેલ્યુટ કેમ નથી મારી?” કહી ધમકી આપીને “અહીંથી દૂર તારું ટ્રાન્સફર કરાવી દઈશ” ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. મામલો ગરમાતા અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, છતાં આ યુવકે પોતાનો રોફ ઝાડતા ધમકી આપી હતી કે, ‘હું IPS જોન ડેનિયલ છું, તારી વર્દી ખાઈ જઈશ અને ડીજી સાહેબને કહીને તારું બહુ દૂર ટ્રાન્સફર કરાવી દઈશ.’
ત્યારબાદ તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ચીમકી આપીને ત્યાંથી ચાલતી પકડી હતી. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે આ નકલી જોન ડેનિયલ સામે ગુનો દાખલ કર્યો હતો, અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં જ નકલી IPS યુવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના હબ ગણાતા આનંદનગરમાંથી હાઈ-પ્રોફાઇલ બ્રાન્ડેડ કપડાંના ડુપ્લીકેટ કૌભાંડનો પર્દાફાશ થતાં વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે જે બ્રાન્ડના શર્ટ કે ટી-શર્ટ શો-રૂમમાં હજારો રૂપિયામાં મળતા હોય છે, તેવી વિશ્વપ્રસિદ્ધ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના લોગો લગાવીને સસ્તા અને નકલી કપડાં ઊંચા ભાવે વેચવાનું એક મોટું નેટવર્ક આનંદનગર વિસ્તારમાં ધમધમી રહ્યું હોવાની ચોક્કસ બાતમી એન્ફોર્સમેન્ટ ટીમને મળી હતી. જે ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે આ રેડ ઓપરેશન પાર પાડ્યું છે.
આનંદનગરમાં આવેલા ‘TCF’ એટલે કે ‘ધ ક્લોસેટ ફેશન’ નામના શો-રૂમમાં ઇન્ટરનેશનલ કંપનીઓની નકલી પ્રોડક્ટ્સનું મોટું કલેક્શન ગ્રાહકોને અસલી કહીને પધરાવવામાં આવતું હતું. કંપનીઓની સત્તાવાર એન્ફોર્સમેન્ટ વિંગ અને સ્થાનિક પોલીસે સંયુક્ત પ્લાનિંગ કરીને આ શો-રૂમ પર ઓચિંતી રેડ પાડી હતી. રેડ દરમિયાન શો-રૂમના કાઉન્ટર અને ગોડાઉનમાંથી ‘પોલો રાલ્ફલોરેન’ બોસ’ (Hugo Boss), ‘ગેન્ટ’ (Gant), ‘લેકોસ્ટે’ અને ‘બર્બેરી’જેવી વૈશ્વિક બ્રાન્ડના ડુપ્લીકેટ લોગો વાળા કપડાંનો મોટો જથ્થો લાઈવ પકડાયો હતો.
પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર શર્ટ કે ટી-શર્ટ જ નહીં, પરંતુ નકલી બ્રાન્ડેડ પેન્ટ, મોંઘા ગોગલ્સ (ચશ્મા), લેધર પર્સ, મોજા અને પ્રીમિયમ ટોપીઓ સહિત કુલ રૂપિયા 14.42 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સીલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક પાછળ શો-રૂમના સંચાલકો આનંદ મહેશભાઈ ચંચલાની અને નરેશભાઈ શંકરભાઈ ચંચલાણી મુખ્ય સૂત્રધાર છે. પોલીસે કોપીરાઈટ એક્ટ અને આર્થિક છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી માલ ક્યાંથી સપ્લાય થતો હતો તે દિશામાં પણ હવે કનેક્શન તપાસવામાં આવી રહ્યા છે.


