ફોર્ચ્યુન મિલ્ક, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ
ફૂગવાળી ૫૦૦ કિલો મલાઈ ઝડપાતા નાશ કરાઈ: ત્રણેય ઝોનમાં 38 પેઢીમાં મનપાના દરોડા: ૧૨૫ કિલોથી વધુ અખાદ્ય સામગ્રી ઝડપાઈ: વહીવટી ચાર્જ વસુલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ફૂડ ટીમ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં 38 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં લાતી પ્લોટમાં એક, ૧૫૦ ફુટ રીંગ રોડ પર એક અને કોઠારીયા મેઈન રોડ પર ડેરીમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા અને ૫૦૦ કિલો વાસી મલાઈનો નાશ કરી સીલ મારી દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ, લાતી પલોટ, 150 ફૂટ રીંગ રોડ અને કોઠારીયા મેઇન રોડ જેવા વિસ્તારોમાં આવેલી પનીર અને ડેરી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફુગવાળી મલાઈ અને શંકાસ્પદ પનીરનો સંગ્રહ મળી આવતા તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં પ્રથમ પેઢી ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, જે લાતી પ્લોટ શેરી નંબર 4, રાજકોટ ખાતે આવેલી છે, ત્યાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ પેઢીમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ વચ્ચે કામગીરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાંથી પનીર લુઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાઇજીનની ગંભીર ક્ષતિઓ બદલ આ પેઢીને રૂ. 5000 નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પ્રીમાયસિસને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે.
બીજી મોટી કાર્યવાહી 150 ફૂટ રીંગ રોડ પર સોમનાથ 3, શેરી નંબર 1 ખાતે આવેલી શ્રીરામ ડેરી પર કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે જ્યારે અહીં તપાસ કરી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. આ ડેરીમાં સંગ્રહ કરવામાં આવેલી મલાઈમાં મોટા પ્રમાણમાં ફુગ વળેલી જોવા મળી હતી, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતી. ટીમે ત્યાંથી મલાઈ અને પનીરના સેમ્પલ મેળવ્યા હતા. ત્યારબાદ અંદાજિત રૂ. 1,75,000 ની બજાર કિંમત ધરાવતી 500 કિલોગ્રામ જેટલી ફુગવાળી મલાઈનો લુઝ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ અખાદ્ય મલાઈને મહાનગરપાલિકાના SWM વાહનમાં ભરીને સ્થળ પર જ નાશ કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગુના બદલ શ્રીરામ ડેરીને રૂ. 5000 નો દંડ કરવામાં આવ્યો હતો અને પેઢીના પ્રીમાયસિસને પણ સીલ મારી દેવાયું છે.
ત્રીજી પેઢી શ્યામ ડેરી પ્રોડક્ટ છે, જે વિવેકાનંદ નગર શેરી નંબર 9, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે આવેલી છે. અહીં તપાસ દરમિયાન પનીર એનેલોગનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ડેરીમાં પણ આરોગ્યપ્રદ નિયમોનું પાલન ન થતું હોવાથી તેને રૂ. 5000 નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો અને આ પ્રીમાયસિસને પણ ત્વરિત ધોરણે સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આમ, પનીર અને મલાઈનું ઉત્પાદન કરતી આ ત્રણેય પેઢીઓમાંથી કુલ મળીને 4 ફોર્મલ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે અને ત્રણેય પેઢીઓ પાસેથી કુલ મળીને રૂ. 15,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. રૂ. 1,75,000 ની કિંમતની ફુગવાળી 500 કિલોગ્રામ મલાઈનો નાશ કરીને લોકોના આરોગ્ય સાથે થતી મોટી ખીલવાડ અટકાવવામાં આવી છે.
આ ઉપરાંત, ફૂડ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પણ વ્યાપક સ્તરે ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેંટ્રલ ઝોનની ટીમ દ્વારા રેલવે જંકશનની સામેની બાજુએ આવેલા ખાણી-પીણીના બજારો અને દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં કુલ 16 પેઢીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 5 પેઢીઓમાં વાસી અને અખાદ્ય ખોરાકનો સંગ્રહ જોવા મળતા, કુલ 47 KG જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 1 પેઢીને હાઇજીનિક કન્ડિશન અને સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા જાળવવા બાબતે કડક નોટિસ આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાંથી કુલ રૂ. 11,700 ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
બીજી તરફ, વેસ્ટ ઝોનની ટીમ દ્વારા સાધુ વાસવાણી રોડ પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ડેરી ફાર્મ્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં કુલ 10 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 4 પેઢીઓમાં ખાદ્ય ચીજોમાં ક્ષતિઓ જણાતા કુલ 74 KG અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરતી અને યોગ્ય સ્ટોરેજ ન રાખતી 5 પેઢીઓને હાઇજીનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. વેસ્ટ ઝોનની ટીમ દ્વારા કુલ રૂ. 11,000 ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.
તે જ રીતે, ઈસ્ટ ઝોનની ટીમ દ્વારા પણ જામનગર રોડ પર શેઠનગરના ગેટ પાસે આવેલા વ્યાપારી એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. અહીં ઈસ્ટ ઝોનની ટીમે કુલ 12 પેઢીઓની તપાસ કરી હતી, જેમાંથી 3 પેઢીઓમાં અસ્વચ્છતા અને અખાદ્ય સામગ્રી માલૂમ પડતાં કુલ 15 KG જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


