પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
વાંકાનેરના અગાભી પીપળીયા ગામની ઘટના; તેડવા ગયા બાદ ફરી બોલાચાલી થતાં યુવાને આકરું પગલું ભર્યું, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામમાં પત્ની માવતરે જતાં અને પરત આવવાનો ઇનકાર કરતાં વ્યથિત બનેલા યુવાને એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને પ્રથમ વાંકાનેર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અગાભી પીપળીયા ગામના રહેવાસી હરેશ પ્રવિણભાઈ ઉકેડીયા (ઉ.વ. 23) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર બહેનો વચ્ચેનો એકમાત્ર ભાઈ એવા હરેશને સંતાનમાં એક પુત્રી છે. પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીને કારણે તેની પત્ની ડિમ્પલબેન છેલ્લા એક અઠવાડિયાથી પોતાના પિયર રાજાવડલા ગામે રહેવા ગઈ હતી.
ભીમ અગિયારસના દિવસે હરેશ પત્નીને મનાવી ઘરે લઈ આવવા રાજાવડલા ગયો હતો. જોકે ત્યાં ફરી એકવાર બંને વચ્ચે બોલાચાલી થતાં પત્ની સાથે પરત આવી શક્યો નહોતો. આ ઘટનાથી મન દુઃખી બનેલા હરેશે પોતાના ઘરે પરત ફરી રાત્રિના સમયે એસિડ પી લીધું હોવાનું સામે આવ્યું છે.
પરિવારજનોને ઘટનાની જાણ થતાં હરેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે બનાવ અંગે હરેશનું નિવેદન નોંધવાની તેમજ વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે.


