કોટડા સાંગાણીના અરડોઈ નજીક રિક્ષા પલટી જતાં ચાલકનું કરુણ મોત
શાપરથી મુસાફરો લઈને ગામ તરફ પરત ફરતા અકસ્માત સર્જાયો; ચાર સંતાનોના પિતાનું સારવાર પહેલાં જ નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામ નજીક શનિવારે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરુણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શાપરથી મુસાફરોને લઈને અરડોઈ પરત ફરી રહેલા ચાલકની રિક્ષા અચાનક પલટી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકની ઓળખ અરડોઈ ગામના રહેવાસી પ્રેમજીભાઈ પુંજાભાઈ રાઠોડ (ઉં. 58) તરીકે થઈ છે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક માહિતી મુજબ, શનિવારે સાંજે આશરે ચાર વાગ્યાના અરસામાં તેઓ શાપરથી ત્રણ જેટલા મુસાફરોને બેસાડીને અરડોઈ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ગામના પાદર વિસ્તારમાં કોઈ કારણોસર રિક્ષા પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ગયું હતું.
અકસ્માતમાં પ્રેમજીભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને પ્રથમ કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા, જ્યાં પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પ્રેમજીભાઈ પાછળ એક પુત્ર અને ત્રણ પુત્રીઓનો પરિવાર છે. પરિવારના મુખ્ય આધારસ્તંભનું અચાનક અવસાન થતાં સ્વજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.


