રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ
ગિરિરાજ હોસ્પિટલ અને AWRSCના સંયુક્ત આયોજનમાં સૌરાષ્ટ્ર–કચ્છના 200થી વધુ સર્જન્સ અને તબીબો જોડાયા; આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના માર્ગદર્શન સાથે અદ્યતન સર્જિકલ ટેક્નિક અને સ્થૂળતા સારવાર પર થયું વૈજ્ઞાનિક મંથન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ અને AWRSC (Abdominal Wall Reconstruction Surgeons Council) દ્વારા આયોજિત બે દિવસીય AWR & Obesity Meet 2026નો આજે સફળ સમાપન થયો. રાજકોટમાં પ્રથમવાર યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 200થી વધુ સર્જન્સ, ગેસ્ટ્રો સર્જન્સ, લેપ્રોસ્કોપિક સર્જન્સ, બેરિયાટ્રિક સર્જન્સ તથા મેડિકલ પ્રોફેશનલ્સએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના મેયર ડૉ. નેહાલ શુક્લા, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, IMA National, IMA Gujarat અને IMA Rajkotના હોદ્દેદારો તેમજ શહેરના અગ્રણી તબીબો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસ દરમિયાન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સ્કોટલેન્ડ સહિત વિવિધ દેશોના વિશ્વવિખ્યાત સર્જન્સ તથા ભારતના અને રાજકોટના અગ્રણી સર્જન્સ દ્વારા Advanced Abdominal Wall Reconstruction (AWR), Complex Hernia Surgery, Laparoscopic Surgery, Robotic Surgery તથા Bariatric & Metabolic Surgery વિષયક અદ્યતન વૈજ્ઞાનિક સત્રો, લાઈવ સર્જરી, વિડિયો ડેમોન્સ્ટ્રેશન, પેનલ ચર્ચાઓ અને ક્લિનિકલ અનુભવનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સની સૌથી મોટી સિદ્ધિ એ રહી કે સૌરાષ્ટ્ર અને કચ્છના સર્જન્સને પોતાના વિસ્તારમાં જ વિશ્વસ્તરીય આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી પાસેથી અદ્યતન સર્જિકલ જ્ઞાન અને નવીનતમ ટેક્નોલોજી શીખવાની અનોખી તક મળી. સામાન્ય રીતે આવા વૈજ્ઞાનિક કાર્યક્રમો માટે મોટા શહેરો અથવા વિદેશ જવું પડતું હોય છે, પરંતુ આ પહેલ દ્વારા તે જ જ્ઞાન રાજકોટમાં ઉપલબ્ધ બન્યું.
આયોજક ચેરમેન ડૉ. મયંક ઠક્કરએ જણાવ્યું કે, “આ કોન્ફરન્સનો હેતુ માત્ર વૈજ્ઞાનિક ચર્ચાઓ પૂરતો નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના સર્જન્સને વિશ્વસ્તરીય સર્જિકલ શિક્ષણ તેમના પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાનો છે. મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ અમારા માટે ગૌરવની બાબત છે.”
આયોજક સચિવ ડૉ. કેયુર યાજ્ઞિકએ જણાવ્યું કે, “200થી વધુ ડેલિગેટ્સની સક્રિય ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીના માર્ગદર્શનથી આ કોન્ફરન્સ યાદગાર બની છે. આવનારા સમયમાં પણ રાજકોટમાં આવા ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક કાર્યક્રમો યોજવાના પ્રયાસો ચાલુ રહેશે.”
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ તમામ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફેકલ્ટી, મહાનુભાવો, હોદ્દેદારો, સ્પોન્સર્સ, ડેલિગેટ્સ તથા સમગ્ર આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ આયોજન દ્વારા ગિરિરાજ હોસ્પિટલએ સૌરાષ્ટ્ર-કચ્છના સર્જન્સ માટે વિશ્વસ્તરીય સર્જિકલ જ્ઞાનનું દ્વાર રાજકોટમાં જ ખોલી આપ્યું છે.
AWR & Obesity Meet 2026ની ભવ્ય સફળતાએ રાજકોટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્જિકલ શિક્ષણના કેન્દ્ર તરીકે નવી ઓળખ અપાવી છે તથા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના સર્જિકલ સમુદાય માટે આ કોન્ફરન્સ જ્ઞાન, કુશળતા અને સહકારનું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ છે.
ડૉ. પ્રવીણ ભાટિયા (નવી દિલ્હી) એ “What Not To Do in Laparoscopic Hernia Surgery” વિષય પર પોતાના વર્ષોના અનુભવના આધારે હર્નિયા સર્જરી દરમિયાન થતી સામાન્ય ભૂલો ટાળવા અને વધુ સુરક્ષિત પરિણામો મેળવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.જેમાં ડૉ. શરદ શર્મા (મુંબઈ) એ “eTEP Ventral – RS and TAR” વિષય પર આધુનિક એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શનની અદ્યતન ટેકનિક્સ અને કોમ્પ્લેક્સ હર્નિયાના અસરકારક મેનેજમેન્ટ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જયારે ડૉ. સદાશિવ (મુંબઈ) એ “Understanding the Modern Hernia Ecosystem” વિષય પર હર્નિયા સર્જરીમાં સતત વિકસતી ટેક્નોલોજી, વૈજ્ઞાનિક અભિગમ અને મલ્ટિડિસિપ્લિનરી કેરના મહત્વ પર ભાર મૂક્યો હતો.


