- ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર કરી રહ્યું છે સતત બોમ્બમારો
- ઈઝરાયલી સેનાની કાર્યવાહી બાદ હમાસનો નિર્ણય
- હમાસે ઈઝરાયેલની સેનાને આપી ધમકી
ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસે મોટી જાહેરાત કરી છે. હમાસે કહ્યું છે કે તે આગામી થોડા દિવસોમાં વિદેશી બંધકોને મુક્ત કરશે. આ સાથે પેલેસ્ટિનિયન જૂથે પ્રતિજ્ઞા લીધી છે કે તે ગાઝાને ઇઝરાયેલી સેના માટે કબ્રસ્તાનમાં ફેરવી દેશે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
ઈઝરાયેલની સેનાને ધમકી
હમાસના એઝેદ્દીન અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબૈદાએ જણાવ્યું હતું કે ”અમે મધ્યસ્થીઓને જાણ કરી છે કે અમે આગામી થોડા દિવસોમાં ચોક્કસ સંખ્યામાં વિદેશી બંધકોને મુક્ત કરીશું. અમે ગાઝાને ઈઝરાયેલ અને તેની સેના માટે કબ્રસ્તાન બનાવવાની પણ પ્રતિજ્ઞા લીધી છે”. હમાસે અત્યાર સુધીમાં પાંચ બંધકોને મુક્ત કર્યા છે. જેમાંથી ચારને રાજદ્વારી બેકચેનલ દ્વારા વાટાઘાટો બાદ અને એકને ઈઝરાયલી સેનાની કાર્યવાહી બાદ મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે કે આ સંધર્ષમાં અનેક બંધકોના મોત થયા છે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
326 ઈઝરાયેલી સૈનિકોનાં મોત
બીજી તરફ ઈઝરાયેલી સેનાએ પોતાની વેબસાઈટ પર 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા આપી છે. સેનાનો દાવો છે કે અત્યાર સુધીમાં 326 જવાનોના મોત થયા છે. તેમાંથી મોટાભાગના 7 ઓક્ટોબરના રોજ અથવા તેની આસપાસ માર્યા ગયા હતા. આ સાથે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે 7 ઓક્ટોબરથી ગાઝામાં 8525 લોકોના મોત થયા છે. આ સાથે IDFએ દાવો કર્યો છે કે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા શરૂ થયેલા હમાસ વિરુદ્ધ ઓપરેશનમાં સેનાએ 11 હજારથી વધુ ટાર્ગેટને નિશાન બનાવ્યા છે.


