ચોટીલા દર્શનથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત: બાઈક સ્લીપ થતાં પતિનું મોત
આણંદપર ચોકડી પાસે રોઝડું આડું ઉતરતા સર્જાઈ કરૂણાંતિકા ; રાજકોટ સિવિલમાં નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોટીલા ખાતે પૂનમના દર્શન કરીને પરત ફરી રહેલા દંપતી માટે યાત્રા દુઃખદ સાબિત થઈ હતી. જસદણ-ચોટીલા માર્ગ પર આણંદપર ચોકડી નજીક બાઈક અચાનક સ્લીપ થઈ જતાં પતિ-પત્ની બંને ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા પતિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના કમળાપુર ગામના રામવાડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રમેશભાઈ વસ્તાભાઈ મીઠાપરા તેમની પત્ની શોભનાબેન સાથે ગઈકાલે સાંજના સમયે મોટરસાયકલ પર ચોટીલાથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જસદણ-ચોટીલા રોડ પર આણંદપર ચોકડી પાસે રસ્તામાં રોઝડું આડું ઉતરતાં બાઈકનું સંતુલન બગડ્યું અને વાહન સ્લીપ થઈ ગયું.
અકસ્માતમાં રમેશભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. શરૂઆતમાં તેમને આટકોટની કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન આજે વહેલી સવારે અંદાજે પોણા ચાર વાગ્યાના સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, દંપતી ચોટીલા ખાતે પૂનમના દર્શન અને પૂનમ ભરવા માટે ગયું હતું. દર્શન પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
મૃતક રમેશભાઈ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્ર અને એક પુત્રી છે. ઘરના મોભીના અચાનક નિધનથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


