વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત
કારખાનામાંથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડાયો, ડોક્ટરે મૃત જાહેર કર્યો
રાજકોટ…..
રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી અકાળે મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માત્ર 26 વર્ષીય યુવક રાત્રે સામાન્ય રીતે સૂઈ ગયો હતો, પરંતુ સવારે ઊઠ્યો જ નહોતો. તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો. યુવાનના અચાનક નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, જ્યારે તેની બે વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી વિગતો મુજબ, તપસીરામ છેદનલાલ પાસવાન (ઉંમર 26), મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં રહેતા હતા. તેઓ વિરાણી આઘાટ વિસ્તારમાં આવેલી કૃષ્ણા મેટલ નામની ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતા હતા. આજે સવારે લગભગ 7:30 વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેમનું અવસાન થઈ ચૂક્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું હતું કે તપસીરામ સાત ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે વર્ષની એક દીકરી છે. તેમના અન્ય બે ભાઈઓ પણ રાજકોટની અલગ-અલગ ફેક્ટરીઓમાં મજૂરી કામ કરે છે અને બનાવની જાણ થતાં તરત જ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, તપસીરામ ગઈ રાત્રે ભોજન કરીને સામાન્ય રીતે સૂઈ ગયા હતા. સવારે તેમને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ફેક્ટરીના સીસીટીવી ફૂટેજમાં સવારે લગભગ પાંચ વાગ્યે તેઓએ એક વખત પડખું ફેરવ્યું હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ કોઈ હિલચાલ જોવા મળી નહોતી. પ્રાથમિક અનુમાન મુજબ, તેમને નિંદરમાં જ હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન વયે થયેલા આ અચાનક મૃત્યુએ પરિવારને આઘાતમાં મૂકી દીધો છે અને સમગ્ર વિસ્તારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.


