મોરબીના ત્રાજપરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર હૂમલો, બે રાઉન્ડ ફાયરીંગ
બિહારની ગેઁગના ચાર સાગ્રીતો પોલીસ સકંજામાં
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં પ્રેમસંબંધની અદાવતને લઈને એક યુવક પર જીવલેણ હુમલો કરી રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરાયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. બનાવ બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું અને આરોપીઓને પકડવા માટે એલસીબી, સર્વેલન્સ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લઘધીરપુર રોડ પર આવેલા ભંગારના ડેલામાં દરોડો પાડી ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં નિરંજનભાઈ તિલકપ્રસાદ બિંદ, હિમાંશુભાઈ નિરંજનભાઈ બિંદ (રહે. પાવનપાર્ક સોસાયટી, મોરબી – મૂળ બિહાર), ચંદનભાઈ મહેશભાઈ જમાદાર (રહે. બેલા-રંગપર – મૂળ બિહાર) અને મોહનભાઈ અનુજભાઈ બિંદ (રહે. લઘધીરપુર રોડ – મૂળ બિહાર)નો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણની અદાવતને કારણે આરોપીઓએ યુવક પર હુમલો કરીને ફાયરિંગ મારફતે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિત ગુનાના અન્ય તમામ પાસાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


