રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં તપાસણી અભિયાનનો કરાશે પ્રારંભ
ફિ વસુલાત સહિત શાળામાં સુવિધાઓ બાબતે ચકાસણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં શાળા પ્રવેશ અને ક્ધયા કેળવણી મહોત્સવ ધામધૂમથી ઉજવાયા બાદ હવે શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શાળાઓની તપાસણીનો દોર હાથ પર લેવામાં આવનાર છે. જેમાં શાળાઓમાં વધુ ફીની વસુલાત, નિયમોનો છેદ ઉડાડી વર્ગખંડોમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ, વર્ગ વધારાની મંજુરી સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવનાર છે.
શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે શાળા પ્રવેશ અને ક્ધયા કેળવણી મહોત્સવમાં બાલવાટીકા તેમજ પ્રાથમિક અને માધ્યમીક શાળાઓમાં વિદ્યાર્થીઓના વાજતે ગાજતે નામાંકન કરવામાં આવેલ હતા.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપસ્થિત રહી બાળકો અને તેમના વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાજય સરકારના આ અભિયાનના પગલે વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશીયામાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે.
શાળા પ્રવેશોત્સવ બાદ હવે રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં તપાસણીનું અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આ સંદર્ભે શિક્ષણ અધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે જે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી નિયમ કરતા વધુ ફીની વસુલાતની ફરીયાદ મળી હશે તો તેની તપાસ કરવામાં આવશે. તેની સાથોસાથ વર્ગખંડોમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ વર્ગોના વધારાની મંજૂરી, વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની બાબતોની તપાસ શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો દ્વારા કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર-જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની તપાસ માટે શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે જો કે રાજય સરકારના શિક્ષણ વિભાગના સૌરાષ્ટ્રના મહત્વના એવા રાજકોટ જિલ્લા માટે શહેર અને ગ્રામ્યની બે અલગ અલગ શિક્ષણ અધિકારીની જગ્યા મંજૂર કરી હોવા છતા આ બન્ને જગ્યાઓ હજુ ભરવામાં આવી ન હોય અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આ બન્ને જગ્યા શિક્ષણ વિભાગ દ્વારા તત્કાલ ભરવામાં આવે તેવો પણ સુર ઉઠવા પામેલ છે.


