ખેડૂતોના પ્રશ્ને સરકાર કોઇ ઉતાવળ નહી કરે, લાંબા ગાળાનો નિર્ણય લેશે : કૃષિમંત્રી
તમામ પાસાનો અભ્યાસ કર્યા બાદ દરેકને અનુકૂળ થાય તેવો નિર્ણય જાહેર કરાશે : જીતુ વાઘાણી
કેબીનેટ બેઠકમાં વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઇ : વળતર મુદ્દે નવો ડ્રાફટ તૈયાર કરાશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોથી લઈને શિક્ષણ, કૃષિ, સ્વચ્છતા, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન અને ઔદ્યોગિક વિકાસ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર દ્વારા સતત બેઠકો યોજાઈ રહી છે અને વિવિધ વિભાગોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વીજપોલ વળતર સહિતના મુદ્દે લાંબા ગાળાનો, સર્વસ્વીકાર્ય અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપતો નિર્ણય લેવામાં આવશે. સરકાર કોઈ ઉતાવળમાં નિર્ણય નહીં લે, પરંતુ તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ દરેકને અનુકૂળ થાય તેવો નિર્ણય જાહેર કરશે.
મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ને વધુ વ્યાપક બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. હવે રાજ્યના તમામ મંત્રીઓ દર રવિવારે એક કલાક સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. મંત્રીઓ પોતાની કચેરીઓ અને વિભાગોમાં સફાઈ કરશે તેમજ ભાજપના કાર્યકરો અને સામાન્ય નાગરિકોને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે.
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો સહિત ખેડૂતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતની બેઠકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન અને વીજ પોલનો મુદ્દો મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યો હતો.
કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને લઈને એક મોટો ગરમાવો જોવા મળ્યો હતો. ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના કારણે ખેડૂતોની કિંમતી જમીનને થતા નુકસાન અંગે તમામ મંત્રીઓએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. વીજ પોલ ઊભા કરવાના બદલામાં જગતના તાતને હાલમાં જે વળતર મળે છે, તેના કરતાં ઘણું વધુ વળતર ચૂકવવું જોઈએ તેવી મંત્રીઓએ સામૂહિક માગ કરી છે. આ મામલે કેબિનેટના તમામ સભ્યોમાં સંપૂર્ણ એકમત જોવા મળ્યો હતો.
મંત્રીઓની રજૂઆત અને વળતર વધારવાની માગને પગલે સરકારે લોકતાંત્રિક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો અને રાજ્યના અગ્રણી ખેડૂત આગેવાનો સાથે સીધી ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોની અપેક્ષાઓ અને વહીવટી પ્રક્રિયાને ધ્યાને રાખીને સરકાર વળતરનો નવો ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે.
ખેડૂત આગેવાનો સાથેની ચર્ચાના દોર બાદ આ સમગ્ર વિગતો મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે. મુખ્યમંત્રીની અંતિમ સૂચના અને મંજૂરી બાદ જ વળતરની નવી રકમ અંગેનો અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર કરાશે. સરકારના આ સકારાત્મક વલણથી રાજ્યના લાખો ખેડૂતોને પોતાની જમીન પર ઊભા કરાતા વીજ પોલનું મોટું અને સંતોષકારક આર્થિક વળતર મળવાની આશા જાગી છે.


