દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્લેટ્સ ચોરતી ટોળકી ઝડપાઇ
ચાર બાંધકામની સાઇટ પર થયેલી ચોરીઓનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં બાંધકામની અલગ અલગ સાઇટ પરથી લાખો રૂપિયાની કિંમતની એલ્યુમિનિયમની પ્લેટ્સની ચોરીના ચાર બનાવો બન્યા હતાં. આ ચોરીઓનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી રાજકોટ, જસદણના ભંડારીયાના મળી ૬ને પકડી લઇ ૧૪.૫૪ લાખની પ્લેટ્સ, વાહનો, મળી ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ છમાં એક સગીર પણ સામેલ છે. સગીર સહિતના બપોરના સમયે જે તે બાંધકામની સાઇટ પર રેકી કરતાં અને રાતે બુકાની બાંધીને પહોંચી જતાં હતાં. બાઇક પર થોડી થોડી પ્લેટના ફેરા કરી આગળ ઉભા રાખેલા રીક્ષા-છોટાહાથીમાં પ્લેટસ મુકી પછી ભાગી જતાં હતાં. ભંડારીયાનો ભંગારવાળો આ ચોરાઉ માલ સસ્તામાં ખરીદી લેતો હતો. તેને પણ ઝડપી લેવાયો છે. ટોળકીના હજુ બે શખ્સની શોધખોળ ચાલુ છે.
શહેરના નવા દોઢસો ફુટ રીંગ રોડ, કણકોટના રસ્તે સહિતના વિસ્તારમાં બાંધકામની સાઇટો પરથી છેલ્લા કેટલાક દિવસોમાં એલ્યુમિનિયમની કિંમતી પ્લેટોની ચોરી થઇ હતી. આવા ચાર અલગ અલગ ગુના તાલુકા અને યુનિવર્સિટી પોલીસમાં નોંધાયા હતાં. આ ગુનાઓનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી ત્યારે હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ અને કોન્સ. ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજાને બાતમી મળતાં કોઠારીયા રોડ હુડકો ચોકડી નજીકથી સગીર સહિત છ જણાને પકડી લીધા હતાં.
આ શખસો પાસેના છોટાહાથી વાહન નં. જીજે૩બીડબલ્યુ-૩૩૨૭ અને રિક્ષા જીજે૦૫એવાય-૬૩૬૬માં એલ્યુમિનિયમની પ્લેટ્સ ભરેલી હોઇ આ બાબતે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આ બધાએ અલગ અલગ બાંધકામની સાઇટ પરથી આ પ્લેટ્સની ચોરી કર્યાનું કબુલ્યું હતું. પોલીસ પુછતાછમાં પોતાના નામ રોહિત ઉર્ફે બાવલો મનજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૧-રહે. મોટા મવા પરસાણા ચોક ઝૂપડામાં, મુળ સીતામઢ ચોટીલા), કલ્પેશ અર્જુનભાઇ માથાસુરીયા (ઉ.વ.૨૧-રહે. ભીમનગર સર્કલ પાસે મચ્છી માર્કેટ નજીક ઝૂપડામાં), રાજેશ ઉર્ફે રાજુ દેવશીભાઇ કુકડીયા (ઉ.વ.૩૭-રહે. ડુંગરપુર તા. રાજકોટ), કિશન કાથડભાઇ સોલંકી (ઉ.વ.૨૩-રહે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા ખોખડદળ પૂલ પાસે) જણાવ્યા હતાં. જ્યારે પાંચમો સગીર વયનો હતો.
છઠ્ઠા શખ્સે પોતાનું નામ મનોજ કાંતિભાઇ સોલંકી (ઉ.વ.૩૦-રહે. ભંડારીયા જુના, તા. જસદણ) જણાવ્યું હતું. આ શખ્સ ઉપરોક્ત પાંચેય પાસેથી ચોરાઉ પ્લેટ ખરીદવા માટે આવ્યો હતો. તે ભંગારનો ડેલો ચલાવે છે. ઝડપાયેલા શખ્સોએ કબુલ્યું હતું કે પોતાની ટોળકીમાં હજુ બે શખ્સો કણકોટ રોડ પર ઝૂપડામાં રહેતો અશ્વિન સુરેશભાઇ સાડમીયા અને વિજય ધીરૂભાઇ જખાનીયા પણ સામેલ છે. પોલીસ આ બંનેને શોધી રહી છે. રોહિત સહિતની ટોળકી દિવસે બાંધકામની સાઇટ પર રેકી કરી રાતે બુકાની બાંધીને પહોંચી જતાં હતાં. કોઇપણ બે શખ્સ બાઇક પર બાંધકામની સાઇટ સુધી જતાં હતા અને જેટલી ઉપડે તેટલી પ્લેટ લઇ આગળ રિક્ષા, છોટાહાથી સાથે ઉભેલા સાગ્રીતો સુધી પહોંચાડતાં હતાં. આ રીતે ચોરી કરી ભાગી જતાં હતાં. ચોરાઉ પ્લેટ ભંડારીયાનો મનોજ સસ્તા ભાવે ખરીદી લીધો હતો.
પોલીસે ચાર ગુના ઉકેલી રૂા. ૧૪,૫૪,૦૦૦ની ૧૩૪ પ્લેટ્સ, રૂા. ૩ લાખનું છોટાહાથી વાહન, ૫૦ હજારની રિક્ષા મળી કુલ ૧૮,૦૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને મોહિલરાજસિંહ ગોહિલ તથા મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.


