જેતપુરમાં પ્રથમ વરસાદે દેવકી ગાલોલ પાસેના ગાલોરીયા નદીમાં આવ્યું ઘોડાપૂર
નદીનું ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ : લોકોને ભારે હાલાકી
અગ્ર ગુજરાત, જેતપુર
ચોમાસાના આગમન સાથે જ જેતપુર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોમધાર વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. જો કે, આ આનંદની વચ્ચે જેતપુરના દેવકી ગાલોલ ગામે સ્થાનિક લોકો માટે મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ગાલોરીયા નદી પર બની રહેલા પુલના કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ જતાં જેતપુર-બગસરા માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
જેતપુર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે ગરમી અને બફારાથી ત્રસ્ત રહેતા નગરજનોને આ વરસાદે મોટી રાહત આપી છે. આ આનંદની લાગણી વચ્ચે મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે. દેવકી ગાલોલ પાસે ગાલોરીયા નદી પર બની રહેલા પુલના કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ અંગે સ્થાનિક રહેવાસી મહેશભાઈ પાનસરીયાએ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેવકી ગાલોલ ગામમાં પુલનું નિર્માણ કાર્ય છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને આ કામ ગોકળગતિએ ચાલતું હોવાને કારણે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો છેલ્લા દોઢ વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે. ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન લોકોએ આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને આ વર્ષે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
દેવકી ગાલોલ અને તેની આસપાસના ઉપરવાસમાં અંદાજે ૩ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ગાલોરીયા નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પુલનું કામ અધૂરું હોવાથી બનાવવામાં આવેલ કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ કારણે જેતપુર-બગસરા માર્ગ બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.
આ માર્ગ પરથી પરબધામ અને સતાધાર જેવા ધાર્મિક સ્થળોએ જતા ભાવિકો તેમજ આસપાસના ગામડાઓના લોકોની સતત અવરજવર રહે છે. ગામની સરકારી અને ખાનગી શાળાઓમાં ભણતા ૪૦૦ થી ૫૦૦ વિદ્યાર્થીઓ માટે પણ આ રોડ જીવનદોરી સમાન છે. વરસાદ આવતા જ રસ્તો બંધ થઈ જવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર વહેલી તકે આળસ ખંખેરી જાગૃત થાય અને પુલનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવે જેથી ભવિષ્યમાં લોકોએ આવી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.


