રાજુલામાં સામાન્ય બાબતે વેપારી પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો
સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસ તપાસનો ધમધમાટ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રાત્રીએ એક વેપારી પર અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સામાન્ય ભાવતાલ બાબતે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને કારમાં આવેલા શખ્સોએ આ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, રાજુલા શહેરમાં ‘ફખરી હાર્ડવેર’ નામની દુકાન ચલાવતા ૬૦ વર્ષીય વેપારી કેઝારભાઈ હથીયારીની દુકાને ગતરોજ સમીસાંજે કેટલાક શખ્સો વસ્તુ ખરીદવા માટે આવ્યા હતા. આ દરમિયાન વસ્તુના ભાવતાલ બાબતે શખ્સોએ વેપારી સાથે ઉગ્ર માથાકૂટ અને બોલાચાલી કરી હતી. દુકાને માથાકૂટ કર્યા બાદ શખ્સોએ અગાઉથી જ આયોજન કરી રાખ્યું હતું.
વેપારી કેઝારભાઈ જ્યારે પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ શખ્સો ફોર વ્હીલર કાર લઇને આવ્યા હતા. અને તેમણે વેપારીને રસ્તામાં ઊભા રાખી કારમાંથી ધોકા અને લોખંડના પાઈપ જેવા હથિયારો કાઢી આડેધડ માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં ૬૦ વર્ષીય વૃદ્ધ વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ હુમલાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં શખ્સો કારમાંથી ઉતરીને વેપારી પર તૂટી પડતા સ્પષ્ટ દેખાય છે જે જોઇને લોકો પણ ચોંકી ઉઠ્યા હતાં. સામાન્ય બાબતને લઇ વેપારી પર હુમલો કરતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તાત્કાલિક ચક્રો ગતિમાન કરીને પોલીસે સંડોવાયેલા ૪ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની વિગતો બહાર આવી છે. જ્યારે આ ઘટનામાં સામેલ અન્ય ઈસમોને પકડી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સામાન્ય બાબતમાં વૃદ્ધ વેપારી પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિક વેપારી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


