સોમનાથની હોટલો – ગેસ્ટહાઉસોમાં જીએસટીની ટીમોના દરોડા
ચારથી વધુ ટીમોની કાર્યવાહી : પોલીસ બંદોબસ્ત સાથે આશરે 15 સ્થળોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા કર ચોરી કરતા તત્વોમાં ફફડાટ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
દેશભરના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા યાત્રાધામ સોમનાથમાં સ્ટેટ GSTની ટીમોએ ટેક્સચોરી કરતા લોકોને પકડવા માટે સરપ્રાઈઝ કાર્યવાહી હાથ ધરી હતી. જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલની રાહબરી હેઠળ ચારથી વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાધામની વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસોમાં એકીસાથે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં વેપારી વર્તુળોમાં ભારે દોડધામ અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
આ દરોડાની મળતી માહિતી મુજબ સ્ટેટ જીએસટી વિભાગે આશરે 15 જેટલી હોટલો અને ગેસ્ટહાઉસોમાં તપાસ હાથ ધરી હતી. ટીમોએ હોટલોમાં પહોંચી જીએસટી રજીસ્ટ્રેશન, ટેકસ રિટર્ન, બિલિંગ સિસ્ટમ, રોકડ અને ડિજીટલ વ્યવહારો, એકાઉન્ટ બુક, ખરીદી-વેંચાણના દસ્તાવેજો સહિતના હિસાબી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી તપાસમાં કોઈ અવરોધ ઉભો ન થાય.
આજે જીએસટીની ટીમોએ યાત્રાધામમાં આવેલી હોટલોમાં હોટલ કૃષ્ણા, હોટલ શિવશક્તિ, હોટલ રુદ્રા, હોટલ શિવમ, હોટલ શિવ કૃપા, હોટલ કૈલાસ અને હોટલ શિવ સહિત અન્ય હોટલ અને ગેસ્ટહાઉસનો સમાવેશ થાય છે. અધિકારીઓ એ સ્થળ પર ઉપલબ્ધ દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત વ્યવસાયના વાસ્તવિક ટર્નઓવર અને GST હેઠળ દર્શાવવામાં આવેલી આવક વચ્ચે કોઈ વિસંગતતા છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
યાત્રાધામ સોમનાથમાં દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી હોટલ અને ગેસ્ટહાઉસ વ્યવસાયમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. આવી સ્થિતિમાં ટેકસચોરી રોકવા અને કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સ્ટેટ GST વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. બુધવારે હાથ ધરાયેલી કાર્યવાહી પણ એ જ અભિયાનનો એક ભાગ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ દરોડાની કાર્યવાહીના પગલે હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. અનેક સ્થળોએ દસ્તાવેજોની ચકાસણી કલાકો સુધી ચાલી હતી. જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી સ્ટેટ GST વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું અને કોઈ અનિયમિતતા કે કરચોરી અંગેની વિગતો પણ જાહેર કરવામાં આવી નહોતી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ દસ્તાવેજોનું વિશ્લેષણ કરવામાં આવશે અને જ્યાં ટેક્સચોરી અથવા GST કાયદાના ભંગના પુરાવા મળશે ત્યાં સંબંધિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર કાર્યવાહીથી યાત્રાધામ સોમનાથના વેપારી વર્તુળોમાં દિવસભર ચર્ચાનો માહોલ રહ્યો હતો.


