ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ
વોર્ડ નં.2 માં ખુલ્લી ગટરમાં પિતા બાળકો સાથે ખાબકતા લોકોમાં રોષ : સોમનાથ મંદિરના પટાંગણ નજીક વરસાદી પાણી ભરાતા યાત્રિકોને હાલાકી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત મેઘમહેરથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વેરાવળ-પ્રભાસપાટણ જોડિયા શહેરમાં પ્રથમ જ વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. જોડીયા શહેરની મુખ્ય બજારો, દુઃખ દરિદ્ર ભંજન મંદિર, સુભાષ રોડ, ગાંધી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વોર્ડ નં.2 માં એક પિતા પોતાના બે બાળકોને સાયકલ પર લઈ જતા રસ્તાના ખાડામાં ખાબક્યાની ઘટના પણ સામે આવી છે. અનેક સ્થળોએ ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે પ્રભાસપાટણને જોડતા માર્ગ પર પણ પાણી ભરાતા યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેરના પગલે પાણી પાણી… તા.2 ની સવારે 6 થી તા.3 ના સવારે 6 વાગ્યા (24 કલાકમાં) વેરાવળમાં 256 મીમી (10 ઈંચ), સુત્રાપાડામાં 314 મીમી (12.5 ઈંચ), કોડીનારમાં 152 મીમી (6 ઈંચ), તાલાલામાં 84 મીમી (3.5 ઈંચ), ઉનામાં 41 મીમી (1.5 ઈંચ), ગીરગઢડામાં 14 મીમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરતાં તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે.
વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં પ્રથમ વરસાદ બાદ અમરદીપ હોસ્પિટલ રોડ, એસ.ટી. રોડ, જૈન હોસ્પિટલ રોડ, સુભાષ રોડ, એમજી રોડ, હાઉસિંગ સોસાયટી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર ભરાયેલા પાણીના લીધે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે સટ્ટાબજારમાં આવેલ તપેશ્વર મંદિરમાં તથા આસપાસ આવેલી જયહિંદ શેરીમાં ગટરોની સફાઈ ન થતાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો. સ્થાનિક ગૃહિણી મમતાબેન કારિયાએ પણ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો. પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. હવે આગામી વરસાદ પહેલાં તંત્ર અસરકારક પગલાં ભરે છે કે નહીં, તેના પર શહેરવાસીઓની નજર છે.


