પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર
તંત્ર પાસે સમસ્યાનો કાયમી ઉકેલ ન હોવાથી બંદર પર પાર્કિંગની ભયંકર કટોકટી સર્જાઇ
અગ્ર ગુજરાત, પોરબંદર
કિંગ ઓફ અરેબિયન સી ગણાતા પોરબંદરના મત્સ્યઉદ્યોગને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. તા.1 જૂનથી દરિયામાં ફિશિંગ પર સત્તાવાર પ્રતિબંધ મુકાઈ જતાં અને માછીમારીની વર્તમાન સીઝન પૂર્ણ થતાં જ હજારો બોટો દરિયાના મોજાં ચીરીને પોરબંદરના કિનારે પરત ફરી છે. જોકે, દર વર્ષની આ કાયમી સમસ્યાનો તંત્ર પાસે કોઈ કાયમી ઉકેલ ન હોવાથી, આ વર્ષે પણ બંદરમાં બોટ પાર્કિંગની ભયંકર કટોકટી સર્જાઈ છે.
બંદરની જેટીઓ અને એન્કરિંગ સ્પેસ ક્ષમતા કરતાં વધુ બોટો આવી જતાં ઠસોઠસ ભરાઈ ગઈ છે, પરિણામે બોટ માલિકો ભારે હૈયે પોતાની લાખો-કરોડો રૂપિયાની બોટોને એંકર એટલેકે ક્રેન કરીને બંદરની અંદર અને બંદર બહાર, જાહેર રોડ-રસ્તાઓ અને ફૂટપાથ પર લાંગરવા મજબૂર બન્યા છે.
પોરબંદરના બંદર વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં બોટો જ બોટો નજરે પડી રહી છે. કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતો આ ઉદ્યોગ આજે માત્ર યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જગ્યાના અભાવે રસ્તા પર આવી ગયો હોય તેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે.
જિલ્લામાં 5000થી વધુ નાની મોટી બોટ છે. ફિશિંગ સીઝન આટોપાતાં અસમાવતી બંદર પર 2000થી વધુ બોટો કિનારે પરત ફરી છે અને બંદરમાં બોટ પાર્કિગની ક્ષમતા 1200 બોટની છે. બંદર પર તલ ધરવાની જગ્યા ન રહેતાં બંદરના માર્ગ પર બોટોનો ખડકલો જોવા મળે છે ત્યારે ચોમાસાના ત્રણ મહિના બોટ માલિકો માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ સર્જાણી છે.
બંદર પર જગ્યા ન મળતાં માછીમારોએ મજબૂરીવશ બંદરને જોડતા મુખ્ય માર્ગો પર જ એક પછી એક બોટો ગોઠવી દીધી છે. ચોમાસું શરૂ થયું છે ત્યારે આ સાંકડા બચેલા રસ્તાઓ પરથી પસાર થવામાં લોકોને મુશ્કેલી પડશે.
બંદરો પર પાર્કિંગ માટે વધુ જગ્યા નથી. 5000 થી વધુ નાની મોટી બોટ છે અને બંદર પર આટલી સંખ્યામાં બોટ રાખવાની જગ્યા નથી. ઠસોઠસ બોટ મૂકવામાં આવી છે ત્યારે ચોમાસામાં વાવાઝોડા વખતે કે વધુ પાણી આવે ત્યારે બોટ સ્થિર ન રહેતા અન્ય બોટ સાથે અથડાતા નુકશાની વેઠવી પડતી હોય છે.


