ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી જેટકોમાં સતત 32 વર્ષ સુધી નિષ્ઠા, પ્રમાણિકતા અને કર્મયોગી ભાવના સાથે સેવા બજાવનાર ધોરાજી 132 કે.વી. સબસ્ટેશન ખાતે APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા ગૌરવપૂર્ણ રીતે નિવૃત્ત થયા છે.
મકવાણાએ પોતાની સમગ્ર સેવાકાળ દરમિયાન ફરજને સર્વોપરી માની જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી. કર્મચારીઓ, અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી તેમણે એક આદર્શ કર્મચારી તરીકે આગવી ઓળખ ઊભી કરી છે.
સરકારી ફરજ ઉપરાંત તેઓ ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘ સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા રહી કર્મચારીઓના હક, અધિકાર અને ન્યાય માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે. કર્મચારીઓના પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલ માટે સંગઠનના માધ્યમથી તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેના કારણે કર્મચારીઓમાં તેઓ વિશ્વાસપાત્ર અને લોકપ્રિય આગેવાન તરીકે ઓળખાય છે.
તેમની નિવૃત્તિ નિમિત્તે યોજાયેલા સન્માન સમારંભમાં સહકર્મચારીઓ, અધિકારીઓ, યુનિયનના હોદ્દેદારો, પેન્શનર મિત્રો અને શુભેચ્છકોએ તેમના દીર્ઘ સેવાકાળ, સંગઠન પ્રત્યેની અડગ નિષ્ઠા અને કર્મચારી હિત માટેના યોગદાનને બિરદાવી ભાવભીની વિદાય આપી હતી. આ પ્રસંગે સૌએ તેમના નિવૃત્ત જીવન માટે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.


