સ્માર્ટ સિટીના દાવાનું ધોવાણ! સામાન્ય વરસાદમાં રસ્તાઓ ગાયબ
વિરાણી અઘાટ, વોર્ડ નં.૧૮ અને કોઠારીયા વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓમાં ગાબડા: સામાન્ય વરસાદમાં જ રોડની બિસ્માર હાલત થતા સ્થાનિકોમાં રોષ, વાહનચાલકોને હેરાનગતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી ર્યું છે અને તંત્ર દ્વારા પણ કરોડોના આંધણ કરી રહી છે ત્યારે શહેરમાં પડેલા માત્ર ૧.૫ ઈંચ વરસાદે સ્માર્ટ સિટીના દાવા સદંતર બંણગા હોવાનું સાબિત હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. સ્માર્ટ સિટીમાં કરોડોના ખર્ચે બનેલા રોડ-રસ્તાઓનું ધોવાણ થયું છે અને ગાબડા પડી ગયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, વિરાણી અઘાટ મેઇન રોડ પર થોડા સમય પહેલા મનપા દ્વારા સબ વોટર સિસ્ટમની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ લાઈન નાખવા માટે આખો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા નવો રોડ બનાવવાની કે મેટલિંગ કરવાની તસ્દી લેવામાં આવી નથી. માત્ર ઉપરછલ્લું પુરાણ કરીને સંતોષ માની લેવાતા પહેલા જ વરસાદમાં આખો રોડ બેસી ગયો છે અને વિરાણી અઘાટ મેઇન રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. તંત્ર દ્વારા ડિવાઈડર રિપેરિંગનું કામ પણ અધૂરું છોડી દેવાયું છે.
વિરાણી અઘાટ વિસ્તાર કોઈ સામાન્ય રહેણાક વિસ્તાર નથી, પરંતુ અહીં મોટા પાયે ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને નાના પાયાના ઉદ્યોગ ધમધમી રહ્યા છે. જેના કારણે અહીં દરરોજ સેંકડો ભારે વાહનો, લોડિંગ રિક્ષાઓ અને શ્રમિકોની અવરજવર રહે છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓમાં દરરોજ વાહનો ફસાઈ જવાના બનાવો બને છે. બિસ્માર રસ્તાને કારણે દરરોજ 10 થી 12 જેટલા વાહનચાલકો, ખાસ કરીને મહિલાઓ અને ટુ-વ્હીલર ચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે અને ગંભીર ઈજાઓનો ભોગ બની રહ્યા છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક વેપારીઓએ દોડીને લોકોને ઊભા કરવા પડે છે.
વિસ્તારના સ્થાનિક વેપારી, મયુરભાઈ ગઢવીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી આ રોડ પર કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મનપા દ્વારા અમારી પાસેથી નિયમિત અને પૂરેપૂરો વેરો વસૂલ કરવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે માત્ર મીંડું મળ્યું છે. રોડની આવી દયનીય હાલત અંગે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત લેખિત – મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી તંત્રના બહેરા કાને અમારી કોઈ વાત સંભળાઈ નથી અને કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.
આ પરિસ્થિતિને કારણે માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને નાના ઉદ્યોગકારોના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે. વાહનોમાં મોટું નુકસાન થવા સાથે માલસામાનની હેરફેરમાં પણ વિલંબ થઈ રહ્યો છે. તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે હવે સ્થાનિકોની આ રજુઆત બાદ કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ આ તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું.


