૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો
યુનિવર્સિટી રોડ પર બનેલી ઘટના : જૂના મિત્રોએ ગાડીમાં તોડફોડ કરી ધમકી આપ્યાની ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતાં યુવાનના ઘરે પૈસાની ઉઘરાણી માટે તેના બે જુના મિત્ર સહિત ત્રણ જણાએ આવી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલી કારના કાચમાં તોડફોડ કરી નુકસાન કરી જો પૈસા નહિ મળે તો ટાંગા ભાંગી નાખશે અને મારી નાંખશે તેવી ધમકી આપી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટી રોડ જલારામ-૨માં અમિધારા એપાર્ટમેનટ બ્લોક નં. એ-૫ ખાતે રહેતાં અને છુટક મજુરી કરી ગુજરાન ચલાવતાં સત્યજીતસિંહ કીર્તિસિંહ ખેરડીયા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી શક્તિ કોળી, રાજદીપ કાઠી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. સત્યજીતસિંહ પરિવારમાં પત્નિ, પુત્રી સાથે રહે છે. તેના પિતા અને માતા પણ સાથે રહે છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ૩૦મીએ રાતે આશરે બારેક વાગ્યાના સુમારે સત્યજીતસિંહ કોઈ કામે બહાર ગયા હતા. આ દરમિયાન તેમના એપાર્ટમેન્ટના ચોકીદારે ફોન કરીને જણાવ્યું કે-એપાર્ટમેન્ટમાં ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા છે અને તમારી કારના કાચ તોડીને નુકસાન કરી રહ્યા છે. ચોકીદારનો ફોન આવતા જ સત્યજીતસિંહ તાત્કાલિક પોતાના ઘર તરફ દોડ્યા હતા. સત્યજીતસિંહ એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા ત્યારે બહાર જ તેના જુના મિત્ર રહી ચુકેલા શક્તિ કોળી, રાજદીપ કાઠી અને એક અજાણ્યો શખ્સ ઊભેલા જોવા મળ્યા હતા. સત્યજીતસિંહને જોતાં જ આ ત્રણેય તેમની પાસે ધસી આવ્યા હતા અને શક્તિ કોળીએ ઉઘરાણી કરી-મારી પાસેથી જે ૧,૦૦,૦૦૦ રૂપિયા લઈ ગયો છે તે મને અત્યારે જ પાછા આપી દે તેમ કહ્યું હતું.
આથી સત્યજીતસિંહે-મેં તારી પાસેથી જે રૂપિયા લીધા હતા તે કટકે-કટકે પુરેપુરા આપી દીધા છે, હવે મારે તને કોઈ રૂપિયા ચૂકવવાના થતા નથી તેમ કહેતાં આ ત્રણેયએ વધુ ઉશ્કેરાઇ જઇ ાળો દીધી હતી અને શક્તિએ ફરી ધમકી આપી હતી કે-આજે તો ખાલી તારી કારના કાચ તોડયા છે, રૂપિયા નહિ મળે તો તારા ટાંગા ભાંગી નાંખીશ અને તને મારી નાંખીશ. આ ધમાલ બાદ સત્યજીતસિંહ એપાર્ટમેન્ટના ર્પાકિંગમાં ગયા ત્યારે પિતાના નામની હોન્ડા અમેઝ કાર જીજે૦૩કેપી-૨૪૧૫ના આગળ અને પાછળના કાચ તૂટેલી હાલતમાં મળ્યા હતા. તોડફોડના કારણે અંદાજે રૂ. ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ નું નુકસાન થયું હતું. રાત્રે થયેલી આ ધમાલના કારણે સત્યજીતસિંહના માતા ભાવનાબેન, પિતા અને પત્નિ મીરાબેન પણ નીચે ર્પાકિંગમાં દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં એએસઆઇ સોનલબેન ગોસાઇએ ગુનો નોંધતા આગળની તપાસ હેડકોન્સ. ભવદિપસિંહ ગોહિલે હાથ ધરી છે.


