જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા
રસ્તામાંથી મળેલી રકમ પોલીસમાં જમા કરાવી હતી
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેરમાંથી માનવતાને મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક જાગૃત નાગરિકે ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ગુમ થયેલ 60,000 રૂપિયાની રોકડ રકમ તેના મૂળ માલિકને પરત સોંપી દીધી છે.
મળતી માહિતી મુજબ, જેતપુરના ખીરસરા રોડ વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પ્રવિણભાઈ સોલંકીના કેરીના વેપારના રૂ. 60,000 રોકડા કણકિયા પ્લોટ નજીક, ધનશ્યામ મેડિકલ આસપાસના વિસ્તારમાં ક્યાંક પડી ગયા હતા. આટલી મોટી રકમ ખોવાઈ જવાથી ચેતનભાઈ મૂંઝવણમાં મુકાયા હતા અને તેમણે જેતપુર સીટી પોલીસનો સંપર્ક કરી ‘નેત્રમ’ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ માંગી હતી.
રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જર અને ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમારે આ બનાવની ગંભીરતા સમજી ટીમને સીસીટીવી ફૂટેજ ચેક કરવા સૂચના આપી હતી. પોલીસ પ્રજાની મિત્ર બનીને મદદની કામગીરી ચાલી રહી હતી તે જ દરમિયાન, જેતપુરના નાના ચોક, તકિયા શેરીમાં રહેતા ઇલિયાશભાઈ વલીભાઈ કાથરોટીયા સ્વયં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઇલિયાશભાઈએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમને રસ્તામાં પડેલી રોકડ રકમ મળી છે. તેમણે કોઈ પણ પ્રકારના લાલચ વગર પૂરેપૂરા રૂ. 60,000 પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ પોલીસે મૂળ માલિક ચેતનભાઈ સોલંકીને બોલાવીને આ રકમ તેમને પરત સોંપી હતી.


