રાજુલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં સાંબેલાધાર; ૨૪ કલાકમાં ૧૦થી ૧૬ ઈંચ વરસાદ
નદીઓમાં ઘોડાપૂર: અનેક ગામો બેટમાં ફેરવાયા, રસ્તા-હાઈવે બંધ, ઘરોમાં પાણી ઘૂસતા ભારે તારાજી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
રાજુલાનું ભેરાઇ ગામ ટાપુ બન્યું, ૧૫૦થી વધુ ઘરો ડૂબ્યા, કમરસમા પાણી ભરાયા
પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે અને સાવરકુંડલા-અમરેલી હાઈવે બિસ્માર હાલતમાં બંધ, સેંકડો વાહનો ફસાયા
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી પંથકમાં મેઘરાજાએ મન મૂકીને નહિ પરંતુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અનરાધાર બેટિંગ કરી છે. ગતરોજ વહેલી સવારથી શરૂ થયેલા ધમાકેદાર વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યો હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાજુલામાં આભ ફાટ્યું હોય તેમ સાંબેલાધાર ૧૬ ઈંચ અને જાફરાબાદ પંથકમાં ૧૦ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે આફતને જોતા તંત્ર દ્વારા રાજુલા સહિત પાંચ તાલુકાની શાળાઓમાં શૈક્ષણિક રજા જાહેર કરવામાં આવી છે. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રાજુલાનુ ભેરાઇ ગામ જાણે દરિયાની વચ્ચે ટાપુ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભેરાઇ ગામના ઠવી અને દેવપરા સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ જતાં ૧૫૦ થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે. સરપંચ વાલાભાઇ રામ સહિત ટીમ સતત ખડેપગે રહી હતી. ડુંગર ગામની સૂકવો નદી અને મોરંગી-મોભીયાણા ગામે રામતલિયા નદી બે કાંઠે વહેતી થઈ છે. ચોત્રા ગામે રાયડી નદીમાં ઘોડાપૂર આવતા પુલની બંને સાઈડનું ધોવાણ થયું છે જેના કારણે ચોત્રા ગામ તદ્દન સંપર્ક વિહોણું બન્યું છે. આ ઉપરાંત જાફરાબાદનુ ધારાબંદર ગામ પણ પાણીની વચ્ચે ઘેરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધોધમાર વરસાદના પાણી પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વચ્ચે ટ્રક, બસ, ટ્રેલર અને ફોર વ્હીલર સહિતના અસંખ્ય વાહનો ફસાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ ઓળીયા ગામ નજીક નાળું તૂટી જતાં સાવરકુંડલા – અમરેલી હાઇવેનો માર્ગ પણ બંધ કરવો પડ્યો છે. સાવરકુંડલાના ગિરિયા ગામે વરસાદના પગલે દિવાલ ધરાસાઈ થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. પ્રથમ જ વરસાદમાં અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની વ્યાપક આવક થઈ છે. રાજુલાની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-૨ ઓવરફ્લો થતાં પ્રથમ ૬ દરવાજા અને ત્યારબાદ ઉપરવાસના ભારે ધસમસતા પ્રવાહને કારણે તમામ ૨૦ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વનો ધારેશ્વર ધાતરવડી ડેમ-૧ પણ ઓવરફ્લો થયો છે. આ સાથે ધારીના ખોડીયાર ડેમના પણ ૯ દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કુદરતી આફત વચ્ચે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખુદ પૂરના પાણીમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જાતે બચાવ કામગીરીની કમાન સંભાળી હતી. ભેરાઇ ગામમાંથી ૫૦ થી વધુ લોકોનું રેસકયુ કરાયું હતું. અને જાફરાબાદના વઢેરા, રોહિત તથા ધારાબંદર ગામમાંથી અમરેલી ફાયર વિભાગની ટીમની મદદથી ૮૦ થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરી તમામ પૂરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા. રાજુલાના ડુંગર ગામે નેવડી કાંઠા અને બીપીએલ વિસ્તાર તેમજ જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, કરિયાણું અને ઘરવખરી સહિતનો તમામ માલસામાન પલળીને નાશ પામ્યો છે. ખેડૂતોના પાકથી લહેરાતા ખેતરો પણ બેટમાં ફેરવાઈ જતાં વ્યાપક તારાજી સર્જાઇ હતી. અને બધું જ ગુમાવી ચૂકેલા સ્થાનિક લોકોએ હવે સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે આર્થિક સહાય અને ઘરવખરીના નુકસાનીના વળતરની માંગણી કરી છે.
લીલીયાના બવાડીમાં ૮ સભ્ય વાડીમાં ફસાયા
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પૂરના પાણી ફરી વળતાં એક પરપ્રાંતિય પરિવારના 8 સભ્ય આખી રાત વાડી વિસ્તારમાં ફસાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરની સૂચનાથી લીલીયા મામલતદાર, ટી.ડી.ઓ. સહિત વહીવટી તંત્રની ટીમ ભારે પૂર વચ્ચે પણ રાતભર ખડેપગે રહી હતી. તંત્ર દ્વારા અલગ-અલગ વાડી વિસ્તારોમાં ફસાયેલા આ તમામ 8 લોકોને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
55 જેટલા ગામડાઓમાં વીજળી ગુલ
બીજી તરફ, જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવા માહોલને કારણે PGVCL વીજ તંત્રને મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રચંડ વરસાદના લીધે સાવરકુંડલા, જાફરાબાદ અને ઉના સહિતના વિસ્તારોના ૫૫ જેટલા ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં અંદાજિત 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી કે ક્ષતિગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ખોરવાયેલો વીજ પુરવઠો વહેલી તકે પુનઃ કાર્યરત કરવા માટે PGVCL વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે.
5 તાલુકાની શાળા-કોલેજોમાં રજા જાહેર
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની સૂચના અનુસાર, જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા 5 તાલુકાઓ: સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે.
2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2457 જેટલા ગામડાઓમાં વીજળી ડૂલ થતાં અંધારપટ છવાયો હતો. જોકે, GUVNL (વીજ કંપનીઓ) દ્વારા રાત-દિવસ એક કરીને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવતા 2336 ગામોમાં ફરીથી વીજળી પહોંચાડવામાં આવી છે. હાલ માત્ર 121 ગામોમાં કામગીરી ચાલુ છે. પવનના કારણે આખા રાજ્યમાં 4557 વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા, જેમાંથી 474 થાંભલા ઊભા કરવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 4419 વીજ ફીડર અને 215 ટ્રાન્સફોર્મર ખોરવાયા હતા, જેમાંથી મોટાભાગના એટલે કે 4263 ફીડર અને 183 ટ્રાન્સફોર્મર રિપેર કરી દેવાયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણ એક્શન મોડમાં છે. આગામી દિવસોની આગાહીને જોતા સંભવિત ખતરાને પહોંચી વળવા NDRF ની 7 અને SDRF ની 11 ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ પર મૂકવામાં આવી છે.


