વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં
મંદિરે દર્શન કરી પરત ફરતી સમયે ઘટના સર્જાઈ: સ્થાનીક માછીમારોએ ભારે જહેમતથી તણાતી બંન્ને બહેનોને દરીયામાંથી બહાર કાઢી
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળના જાલેશ્વર દરિયા કિનારે રવિવારે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ જતાં સ્થાનિક માછીમારોએ બહાદુરીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલી 17 વર્ષની નિકિતા રામભાઈ પંડિતનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતાં કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જ્યારે બીજી યુવતી હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળના હરસુખ ગોહેલ પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર દરિયા કિનારે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યા બાદ ત્રણેય દરિયા કિનારે પહોંચેલ ત્યારે અચાનક આવેલા ભારે ધસમસતા વિકરાળ મોજામાં એક યુવતી તણાઈ ગઈ હતી. તેને બચાવવા દોડી ગયેલી બીજી યુવતી પણ દરિયાના પ્રચંડ પ્રવાહમાં સપડાઈ જતા બૂમાબૂમ કરવા લાગેલ હતી. જેથી નજીકમાં હાજર જાલેશ્વરના માછીમાર સમાજના લોકો તરત જ દરિયામાં કુદી પડેલ અને ભારે જહેમત બાદ બંન્ને યુવતીઓને દરીયામાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબ નિકિતા રામભાઈ પંડિત (ઉ.વ. 17)ને બચાવી ન શકાતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ હોવાનું જાહેર કર્યુ હતુ. જયારે હાલ બીજી યુવતી સારવાર હેઠળ છે.
આ ઘટના સમયે હાજર હરસુખ ગોહેલે જણાવ્યું હતું કે, રવિવાર હોવાથી તેઓ પરિવાર સાથે દર્શન માટે આવ્યા હતા. દર્શન બાદ બંન્ને બહેનો દરિયા કિનારે ગઈ હતી ત્યારે અચાનક આવેલા મોજાના કારણે બંન્ને તણાવા લાગી હતી. તેણે એક બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, જ્યારે બીજી દરિયામાં તણાઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક માછીમારોએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી બંન્ને ને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં કોળી સમાજના આગેવાનો ભીમભાઈ વાયલુ, હિતેશ ચારિયા, હિરેન ધારેચા, એડવોકેટ દેવાભાઈ ધારેચા સહિતના આગેવાનો અને પરિવારજનો વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દરિયાકાંઠે ચોમાસાના દિવસોમાં ભારે મોજાં અને તીવ્ર પ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં પણ જોખમી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી છે.


