જંગલેશ્વરમાં રસ્તા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા કોંગ્રેસના નગરસેવકો
સ્થળ પર જ અધિકારીઓને બોલાવી કામગીરી શરૂ કરાવાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 16ના કોંગ્રેસના જાગૃત કોર્પોરેટરો અર્જુનભાઈ ચૌહાણ,દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા અને ઈબ્રાહીમભાઈ સોરા,સુરેશ ભાઈ ગેરૈયા જંગલેશ્વર વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
જંગલેશ્વર વિસ્તારમાં ગરીબોના મકાનો તોડવાની કાર્યવાહી દરમિયાન યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓ, વરસાદી પાણીના ભરાવા અને તેના કારણે ઉભી થયેલી ગંદકી તથા રોગચાળાના ભય અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
સ્થળ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ કોંગ્રેસના આગેવાનો સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ વોર્ડના કોર્પોરેટરોએ સ્થળ પર જ સંબંધિત અધિકારીને બોલાવી તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી હતી. પરિણામે કલાકોની અંદર જ રસ્તાના પ્રશ્નો સહિત જરૂરી કામગીરી શરૂ કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય જનતાની વચ્ચે રહી તેમના પ્રશ્નોને વાચા આપવા અને તેના ઉકેલ માટે સતત કાર્યરત રહે છે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દિવસ-રાત લોકોની વચ્ચે રહી સેવા આપતા રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપના કોર્પોરેટરો લોકોની વચ્ચે જોવા પણ મળતા નથી, જ્યારે કોંગ્રેસ લોકોના સુખ-દુઃખમાં સતત તેમની સાથે ઊભી રહી જનસેવાનું કાર્ય કરી રહી છે.


