રોજી રોટી રળવા આવેલા મહેસાણાના યુવાનનું ઢાંઢણી ગામના તળાવમાં ડૂબી જતાં મૃત્યુ
કલાકોની મથામણ બાદ મૃતદેહ બહાર કઢાયો : પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સ્તબ્ધ કરી દેતી ઘટનાઓ સામે આવી છે. જેમાં એકતરફ કાળમુખા પાણીએ 26 વર્ષના આશાસ્પદ યુવકનો જીવ છીનવી લીધો.
ગઇકાલે સવારના સમયે ગઢકા રોડ પર આવેલા ઢાઢણી ગામમાં બાબુભાઈ દરબારની વાડીની બાજુમાં આવેલા ઊંડા તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. આ ગંભીર સંદેશો મળતા જ કંટ્રોલ રૂમ એક્શનમાં આવ્યો હતો અને તાત્કાલિક કોઠારીયા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમને વિશેષ સાધનો સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
ફાયરની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તળાવ કિનારે લોકોના ટોળેટોળા ઉમટેલા હતા. પાણી ઊંડું અને નીચે કાદવનું સામ્રાજ્ય હોવા છતાં, જવાનોએ જીવનું જોખમ ખેડીને તળાવના ઘાટા પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને કલાકોની મથામણ બાદ આખરે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક યુવકનું નામ શૈલેષભાઈ કીશાભાઇ ઠાકર હતું અને તેની ઉંમર માત્ર 26 વર્ષની હતી. તેના સંબંધીના જણાવ્યા મુજબ તે મૂળ મહેસાણાનો વતની હતો અને અહીં રોજીરોટી માટે આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને સ્થાનિક પોલીસ અને સરપંચની હાજરીમાં સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવકના અકાળે અવસાનથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


