રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા
દરિયાકાંઠાના ચાંચબંદર ગામના વયોવૃદ્ધ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા સ્થાનિકોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યૂ,
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂર આવ્યા હતુ જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. આવી સ્થિતિ રાજુલાના સમઢીયાળા ગામે જોવા મળી હતી. રાજુલા તાલુકાના સમઢીયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતાં ગામના પુલ પર પાણી ફરી વળ્યા હતા. પુલ પર પાણી ભરાવાના કારણે આસપાસના અનેક ગામના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયાકાંઠાના ચાંચબંદર ગામના એક વયોવૃદ્ધ બીમાર મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાના હતા પરંતુ પુલ ઉપર ભારે માત્રામાં પાણી હોવાના કારણે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકી ન હતી. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો વ્હારે આવ્યા હતા અને એમ્બ્યુલન્સ ન પહોંચતા આખરે JCB મશીનને બોલાવવામાં આવ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ વયોવૃદ્ધ મહિલાને JCB ના આગળના ભાગે આવેલા બકેટમાં સુરક્ષિત રીતે સુવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યંત સાવચેતીપૂર્વક JCB મારફતે તેમને પુલ પાર કરાવીને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અતિ જોખમી રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ ગુજરીયા, પ્રવિણભાઈ ઝાલા સહિતના સ્થાનિક આગેવાનો તેમજ ૧૦૮ ના કર્મચારીઓ અને યુવાનો જોડાયા હતાં.


