અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન : ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી
બીએપીએસ સંસ્થાન દ્વારા દેશભરના નવોદિત અને પ્રતિષ્ઠિત સર્જકોએ કાવ્યાંજલિથી અક્ષરધામનું મંચ શોભાવ્યું
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (BAPS Swaminarayan Research Institute) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન – ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’ ભવ્યતા અને ગૌરવ સાથે સંપન્ન થયું.
આ કવિ સંમેલન માટે દેશના વિવિધ પ્રાંતોના સર્જકો પાસેથી હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક કાવ્યો, મુક્તકો, ગઝલો વગેરે સાહિત્ય વિધાઓમાં રચનાઓ આમંત્રિત કરવામાં આવી હતી. સંમેલનના મુખ્ય વિષયો ‘ગુરુ’, ‘ભગવાન’, ‘આત્મવિચાર’, ‘સાંખ્ય વિચાર’ અને ‘અક્ષય આનંદ’ જેવા આધ્યાત્મિક વિષયો પર આધારિત હતા. દેશભરમાંથી પ્રાપ્ત થયેલી કૃતિઓમાંથી પસંદગી સમિતિએ શ્રેષ્ઠ રચનાઓનું ચયન કર્યું હતું અને તે પ્રતિભાશાળી સર્જકોને આજે અક્ષરધામ પરિસરમાં પોતાની કૃતિઓનું કાવ્યપઠન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીજી, પ્રો. શિવ શંકર મિશ્ર, પ્રો. પ્રમોદ કુમાર શર્મા, ઉદય કુમાર, આશિષ પાંડે, ડૉ. નારાયણ દત્ત મિશ્ર, પ્રશાંત તિવારી, સ્વદેશ કુમાર , પ્રો.પ્રેમ શંકર શર્મા, શુભમ સિંહ, સંજય ઉપાધ્યાય, તથા હેમંત કેશવ શર્મા, સહિત અનેક અતિથિઓએ ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
કાર્યક્રમના પ્રથમ સત્રનો પ્રારંભ બપોરે એક વાગ્યે ડૉ. જ્ઞાનાનંદદાસ સ્વામી (સહ-નિર્દેશક, બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી)ના સ્વાગત પ્રવચનથી થયો. આ પ્રસંગે ભાષા, સાહિત્ય અને ઉપાસનાનો અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો હતો.


