દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવનો કહેર
સુરત બન્યું ફ્લડ સિટી, 9ના કરુણ મોત
પલસાણામાં 18.19 ઇંચ વરસાદનો રેકોર્ડ, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; સુરત, નવસારી અને વલસાડમાં જનજીવન અસ્તવ્યસ્ત, શાળા-કોલેજો અને કાપડ બજાર બંધ
અગ્ર ગુજરાત, સુરત
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય હોવા છતાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. ખાસ કરીને સુરત શહેરમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં લોકોના દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોત નોંધાયા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18.19 ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં 17.40 ઇંચ, નવસારીમાં 15.28 ઇંચ અને સુરત શહેરમાં 14.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કપરાડામાં 12.68 ઇંચ અને જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યના કુલ 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવા છતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વિકટ સ્થિતિ જોવા મળી હતી.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર એક જ દિવસમાં ‘ફ્લડ સિટી’માં ફેરવાઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, વેપારી વિસ્તારો અને સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો હતો. અનેક સ્થળોએ કાર અને બાઈક પાણીમાં ફસાઈ ગયા હતા, જ્યારે લોકો ઘરો અને દુકાનોમાં જ અટવાઈ ગયા હતા. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતાં પાણી ઝડપથી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યું હતું. સ્લમ વિસ્તારોથી લઈને પોશ વિસ્તારો સુધી સર્વત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. અનેક વિસ્તારોમાં બોટ, ટ્રેક્ટર અને ડમ્પરની મદદથી લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અંદાજે 3,400થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનું તંત્રએ જણાવ્યું છે. વરસાદની વધુ આગાહીને ધ્યાનમાં રાખીને બચાવ દળોને સતત સ્ટેન્ડ-ટુ સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. અતિભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં કુલ નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ઝાડ ધરાશાયી થતાં બે, વીજ કરંટ લાગવાથી ચાર, પાણીમાં ડૂબી જવાથી બે અને પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાઓને પગલે તંત્રએ લોકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે.
ભારે વરસાદના પગલે સુરત ઉપરાંત નવસારી અને વલસાડ જિલ્લામાં પણ જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. સુરતના વિશ્વવિખ્યાત કાપડ બજાર સહિત અનેક વેપારી બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠા અને વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.
હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વધુ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે. નદી-નાળા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ રેસ્ક્યૂ ટીમો તૈનાત કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસેલા આ મેઘતાંડવે ફરી એક વખત સાબિત કરી દીધું છે કે અતિભારે વરસાદની સ્થિતિમાં શહેરી વિસ્તારોની ડ્રેનેજ વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ કેટલી મહત્વપૂર્ણ બની જાય છે. હાલ વરસાદી માહોલ યથાવત હોવાથી લોકોમાં ચિંતા વધી રહી છે અને સૌની નજર હવે આગામી હવામાનની આગાહી પર ટકેલી છે.
ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર 24×7 એલર્ટ રહે : હર્ષ સંઘવીનો કડક આદેશ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મહાનગરોના કમિશનરો સાથે હાલની સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ અધિકારીઓ પાસેથી ગ્રાઉન્ડ ઝીરોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ તમામ જિલ્લા વહીવટી તંત્રને કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે 24 કલાક કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમ સતત સક્રિય રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી. ભારે વરસાદથી અસરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.
બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે જ્યાં પાણી ભરાવા અથવા પૂરની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાંથી નાગરિકોને સમયસર અને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવે. આશ્રયસ્થાનોમાં રહેતા લોકોને ભોજન, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તેની પણ ખાતરી કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ રોડ-રસ્તાઓ, વીજ પુરવઠો, સંદેશાવ્યવહાર અને અન્ય આવશ્યક સેવાઓ સતત કાર્યરત રહે તે માટે સંબંધિત વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. જનજીવનને ઓછામાં ઓછી અસર થાય અને રાહત તથા બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે તમામ જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ અને એલર્ટ રાખવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદથી ડેમોમાં નવા નીર, 11 જળાશયો હાઈ એલર્ટ પર; રાજકોટમાં હજુ જળસંગ્રહ ચિંતાજનક
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. તેના પરિણામે રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર પહોંચ્યા છે, જ્યારે પાંચ જળાશયો સંપૂર્ણ ભરાઈ જતા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં કેટલાક જળાશયોમાં નવા નીરની આવક થઈ હોવા છતાં મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો હજુ પણ ચિંતાજનક સ્તરે જ છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના આંકડા મુજબ અમરેલી, ભાવનગર, તાપી સહિતના વિસ્તારોના પાંચ ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. ઉપરાંત કેટલાક મહત્વના જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગની સ્થિતિમાં હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક યથાવત્ રહી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના અંદાજે 65 ટકા સુધી ભરાયો છે અને સતત પાણીની આવક થતાં જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના અન્ય જળાશયોમાં પણ સંગ્રહમાં સુધારો થયો છે, છતાં અનેક ડેમોમાં હજુ પૂરતો જળભંડાર થયો નથી.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આજી-3, ન્યારી-2, ભાદર-1, ભાદર-2, કર્ણુકી, ફાડદંગ બેટી અને માલગઢ સહિતના જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. આજી-1 અને ન્યારી-1માં સૌની યોજનાના પાણીથી જળસ્તરમાં વધારો થયો છે. સતત વરસતા વરસાદને કારણે લાલપરી ડેમમાં પણ પાણીનો જથ્થો વધીને આશરે 70 ટકા સુધી પહોંચી ગયો છે.
લાલપરી ડેમનું જળસ્તર ઝડપથી વધતા તંત્રે નવાગામ અને બેડી ગામના લોકો માટે ચેતવણી જાહેર કરી છે. ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય તો નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. જોકે વરસાદ છતાં રાજકોટ જિલ્લાના જળાશયોની એકંદર સ્થિતિ હજુ સંતોષજનક કહી શકાય તેવી નથી. જિલ્લામાં આવેલા 27માંથી 22 ડેમોમાં માત્ર 2થી 30 ટકા જેટલો જ જળસંગ્રહ છે, જ્યારે ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, ખોડાપીપર, છાપરવાડી, ઈશ્વરીયા અને કરમાળ સહિતના દસ જેટલા જળાશયો હજુ લગભગ ખાલી સ્થિતિમાં છે. તેથી આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો જ જિલ્લાના પાણીના ભંડારમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત : ઘોઘામાં બે કલાકમાં 6 ઇંચ, અમરેલી-ભાવનગરમાં જળબંબાકાર સ્થિતિ : શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખુલ્યા
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સતત મહેર યથાવત રહેતાં ભાવનગર, અમરેલી, મોરબી, જામનગર, બોટાદ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દરિયાકાંઠાના ગોહિલવાડ વિસ્તારમાં વરસાદે જોરદાર જમાવટ કરતાં અનેક શહેરો અને ગામોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમે સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરી ઓવરફ્લો થતાં જિલ્લાના ખેડૂતો અને નગરજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર બે કલાકમાં ઘોઘામાં 6 ઇંચ, ભાવનગર શહેર અને શિહોરમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક મુખ્ય માર્ગો, સર્કલો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
અમરેલી જિલ્લામાં પણ અવિરત વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. અમરેલી, લાઠી, વડિયા અને સાવરકુંડલામાં સારો વરસાદ નોંધાયો હતો. બગસરા પંથકમાં 136 મીલીમીટર વરસાદ વરસતાં સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાવરકુંડલામાં નાવલી નદી ચોથી વખત બે કાંઠે વહેતા નદીકાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં 3 ઇંચ, જામનગર જિલ્લાના જોડીયા અને લાલપુરમાં 1-1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ તેમજ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં પણ દોઢથી બે ઇંચ વરસાદ થતાં ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમરેલીની ઠેબી સિંચાઈ યોજનાના ડેમમાં પાણીની આવક વધતાં તેના છ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઈ જતાં તેના તમામ 59 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી નદીકાંઠાના 17 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
શેત્રુંજી ડેમ છલકાતા ભાવનગર શહેર માટે આગામી એક વર્ષનું પીવાનું પાણી સુરક્ષિત બન્યું છે, જ્યારે શેત્રુંજી કમાન્ડ એરિયાના હજારો ખેડૂતો માટે સિંચાઈની ચિંતા દૂર થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતાં ખેડૂતો, વેપારીઓ અને પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ “મુકો લાપસીના આંધણ” જેવા સંદેશાઓ વાયરલ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને ડેમ ઓવરફ્લોની ખુશી ઉજવાઈ રહી છે.
થોરડીમાં વરસાદી પાણી બન્યાં મોતનું વહેણ: એક જ બાઈક પર સવાર ચાર યુવકો તણાયા, ત્રણનો બચાવ; એકની શોધખોળ યથાવત
રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આવા સંજોગોમાં ભાવનગર જિલ્લાના થોરડી ગામ પાસે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે એક જ મોટરસાયકલ પર સવાર ચાર યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોની સમયસરની મદદથી ત્રણ યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે, જ્યારે એક યુવક હજુ સુધી લાપત્તા હોવાથી તેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
માહિતી મુજબ, ઘટના મોડી રાત્રે બની હતી. દિવસભરના ભારે વરસાદને કારણે થોરડી ગામ નજીકના માર્ગ પરથી પાણી નદીની માફક વહી રહ્યું હતું. અંધારાને કારણે પાણીની ઊંડાઈ અને પ્રવાહની તીવ્રતાનો યોગ્ય અંદાજ ન આવી શકતાં ચારેય યુવકો બાઈક લઈને આગળ વધ્યા હતા. થોડા જ ક્ષણોમાં પાણીના જોરદાર પ્રવાહે બાઈકનું સંતુલન બગાડી દીધું અને ચારેય યુવકો પાણીમાં ખેંચાઈ ગયા.
યુવકોની બૂમો સાંભળતા આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જીવના જોખમે કેટલાક લોકોએ પાણીમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણ યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ચોથો યુવક પ્રવાહમાં તણાઈ જતાં તે લાપત્તા બન્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. લાપત્તા યુવકની શોધ માટે પાણીના પ્રવાહની બંને બાજુ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વરસાદ અને તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી હોવા છતાં તંત્ર સતત શોધખોળ કરી રહ્યું છે.
આ ઘટના બાદ સમગ્ર થોરડી ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. લાપત્તા યુવકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બીજી તરફ બચી ગયેલા ત્રણેય યુવકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓ પર ફરી વળતા વરસાદી પાણી ઘણી વખત સામાન્ય દેખાતા હોય છે, પરંતુ તેની અંદર પ્રવાહની તીવ્રતા અને ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં પાણી ભરાયેલા માર્ગ પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર વરસાદી માહોલમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ કે કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તેમજ સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરીને પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરે.


