વડોદરામાં બનેલી ગંભીર ઘટના
અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ
સ્વભાવ સુધારવા માટે માતા-પિતાએ પૂજા-વિધી માટે પૂજારીને ઘરે બોલાવ્યો: અલગ-અલગ રૂમમાં લઈ જઈ આચરેલુ કૃત્ય: મિત્રની મદદથી સગીરાએ CCTV ગોઠવી સમગ્ર ખેલ ખુલ્લો પાડ્યો
અગ્ર ગુજરાત, વડોદરા
વડોદરામાં એક સગીરાનો ગુસ્સો શાંત કરવા અને સ્વભાવ સુધારવા માટે માતા-પિતાએ ઘરે પૂજા-વિધિ માટે એક પૂજારીને બોલાવ્યો હતો. આ પૂજારી નરેન્દ્ર ભટ્ટે ધાર્મિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જઈ સગીરા પર દુષ્કૃત્ય આચર્યું હતું. પ્રથમ ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ બીજી વખત હિંમત દાખવી, મિત્રની મદદથી મોબાઈલ કેમેરા ગોઠવી આખી કરતૂત વીડિયોમાં કેપ્ચર કરી લીધી હતી.
આ મજબૂત પુરાવા સાથે સગીરાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક આરોપી પૂજારી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે માતા-પિતાને બાળકો સાથે સંવાદ રાખવા અને દીકરીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.
DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, પીડિતા તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશને આવી હતી. તેણે પોલીસને આવીને જણાવ્યું કે, તેની સાથે આવું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. આ બાબતે અમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દીકરી અવારનવાર ગુસ્સો કરતી અને ચીડાઈ જતી હતી. તેથી તેના માતા-પિતાને લાગ્યું કે, કોઈ પૂજારી દ્વારા પૂજાવિધિ કરાવવામાં આવે, તો દીકરીનો ગુસ્સો શાંત થઈ જશે અને તેના સ્વભાવની સમસ્યાઓ દૂર થશે. આ હેતુથી માતા-પિતાએ જ પૂજારીને ઘરે આવીને વિધિ કરવા માટે કહ્યું હતું.
પીડિતાના જણાવ્યા પ્રમાણે, આ પૂજારી તેના ઘરે બે વખત આવ્યો હતો. પહેલી વાર જ્યારે પૂજારી આવ્યો અને દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે દીકરી ગભરાઈ ગઈ હતી. પૂજારી તેને ધમકી આપતો હતો, જેથી દીકરીને લાગ્યું કે જો તે માતા-પિતાને કહેશે તો માતા-પિતા તેને જ મારશે, પરંતુ બીજી વખત દીકરીએ તેના મિત્રની મદદ લીધી હતી. તેણે કોઈ પણ રીતે મોબાઈલ કેમેરો ગોઠવીને આ આખી ઘટના વીડિયોમાં કેપ્ચર કરી લીધી હતી. ત્યારબાદ મિત્રની મદદથી તે અમારી પાસે આવી હતી અને અમે તરત જ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કિસ્સો માતા-પિતા અને દીકરીઓ બંને માટે એક મોટો પાઠ છે. માતા-પિતાને પણ ખાસ કહેવાનું કે ખાસ કરીને ટીનએજ બાળકો સાથે એક હેલ્ધી કમ્યુનિકેશન રાખો. બાળકો પોતાની વાત તમને સંકોચ વિના કહી શકવા જોઈએ.
આ કિસ્સામાં પણ દીકરી પહેલીવાર માતા-પિતાને કહેતા અચકાતી હતી, જેથી તેણે મિત્રની મદદ લેવી પડી હતી. જો માતા-પિતા બાળકોને સાંભળતા હોય, તો આવી ઘટનાઓ ન બને અથવા બને તો પણ શરૂઆતમાં જ અટકી જાય.


