સંઘના પ્રચારક મહેશભાઇ પતંગેને શ્રધ્ધાંજલી અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
“રાષ્ટ્રાય સ્વાહા ઈદમના મમ”, -“મેં નહિ તું,”જેમણે પોતાના જીવનમાં ખરેખર સાર્થક કરેલું હતું તેવા વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના સંગઠનમંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પૂર્ણ કાલીન વરિષ્ઠ પ્રચારક સ્વ. મહેશભાઈ પતંગે ને અચાનક હદય રોગ ના ગંભીર હુમલા ને કારણે અકાળે અવસાન થયું છે.
તેઓ રર વર્ષની નાની વયે વર્ષ ૧૯૯૧માં પુનાના કર્જત તાલુકામાં પ્રચારક તરીકે નીકળ્યા. ત્યારે અન્ય પ્રચારકોની સાથે તેઓ સંપર્કમાં જતા, પ્રચારક બનવાની શરૂઆત ત્યાંથી જ થઈ. આગળ જતાં પોતે જ પ્રચારક તરીકે નીકળ્યા. તેઓની સ્વયં સેવક તરીકે શાખા ચલાવવાની એક આગવી ઓળખ હતી. તેઓ શાખાના મુખ્ય શિક્ષક હતા ત્યારે તેમની શાખામાં ૧૦૦થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહેતા હતા. પૂર્વોત્તરના રાજ્યોની સમસ્યાઓ સાંભળી તેઓને નાગાલેન્ડ જેવા વિસ્તારમાં પ્રચારક તરીકે કાર્ય કરવાની ઈચ્છા હતી, પરંતુ વર્ષ ૧૯૯૪ માં તેઓને નાગાલેન્ડને બદલે ગુજરાત પ્રાંતમાં જવાબદારી મળી. ગુજરાતમાં તેમણે ગાંધીનગર શહેર પ્રચારક અને પછી વિભાગ પ્રચારક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. ત્યારબાદ જૂનાગઢ વિભાગમાં વિભાગ પ્રચારક તરીકે જવાબદારી નીભાવી હતી. વર્ષ ૨૦૧૦ થી અત્યાર સુધી તેમની પાસે વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશની સંગઠન મંત્રી તરીકેની જવાબદારી હતી. તેઓ મહારાષ્ટ્રીયન જીવન શૈલી છોડી ગુજરાતી જીવન શૈલીમાં ઓતપ્રોત થઈ ગયા હતા.


