દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
નિષ્ણાંત શિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, દીવ
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવ ખાતે ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સભાનું આયોજન* સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવ ખાતે આગામી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વિશેષ વાલી માર્ગદર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે શાળા અને વાલીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે શાળાના પ્રભારી પ્રાચાર્ય વિજયકુમાર જે. બામણિયાએ વાલીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિમાં વાલીઓની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વાલીઓને વિદ્યાર્થીઓ માટે હકારાત્મક અને અભ્યાસલક્ષી વાતાવરણ ઊભું કરવા, નિયમિત અભ્યાસ પર ધ્યાન આપવા તેમજ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓને માનસિક રીતે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. સભામાં ઉપસ્થિત શિક્ષકગણ દ્વારા બોર્ડ પરીક્ષાની તૈયારી, અભ્યાસનું યોગ્ય આયોજન, સમય વ્યવસ્થાપન, પુનરાવર્તનની પદ્ધતિ, પરીક્ષા દરમિયાન અનુસરવાની સૂચનાઓ તથા સારા પરિણામ માટે અપનાવવાના વિવિધ ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓની હાજરી, નિયમિત અભ્યાસ, શંકા નિવારણ અને મોડેલ પ્રશ્નપત્રોના અભ્યાસના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વાલીઓએ પણ વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા, જેના સંતોષકારક જવાબો શિક્ષકગણ દ્વારા આપવામાં આવ્યા. આ પ્રકારની પરસ્પર ચર્ચા દ્વારા શાળા અને વાલીઓ વચ્ચે વધુ સારો સંવાદ સ્થાપિત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ વાલીઓએ શાળાના આ પ્રયાસને આવકાર્યો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા સાથે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકગણના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રકારની વાલી માર્ગદર્શન સભા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


