સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી શરૂ
તા.૧૫મી સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ‘જ્ઞાન સહાયક યોજના’ અંતર્ગત 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરી છે. સમગ્ર શિક્ષા અભિયાન લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મગાવવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ઉમેદવાર 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. શિક્ષણ વિભાગે તાજેતરમાં જ્ઞાન સહાયક યોજના અંગે નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યા બાદ તાકીદે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની જ્ઞાન સહાયક યોજના અંગે નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં ઘણા મહત્ત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફાર કર્યા બાદ હવે સમગ્ર શિક્ષા અભિયાન કચેરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક યોજના હેઠળ જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી ગુરુવારથી શરૂ કરી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત બે અલગ-અલગ કેડર માટે અરજી મગાવી છે. જેમાં માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકે પસંદગી પામનાર ઉમેદવારને માસિક રૂ. 24,000 નું મહેનતાણું ચૂકવાશે અને તેના માટે વયમર્યાદા 48 વર્ષ નક્કી કરી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક માટે સફળ ઉમેદવારને માસિક રૂ. 26,000નું મહેનતાણું મળશે અને અરજી કરવાની વયમર્યાદા 50 વર્ષ રાખી છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર, પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય TAT (માધ્યમિક) અને TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર જ અરજી કરવા પાત્ર ગણાશે. જો પ્રથમ તબક્કા બાદ પણ જગ્યા ખાલી રહેશે, તો જ્ઞાન સહાયકની શૈક્ષણિક લાયકાત મુજબ અન્ય વર્ષમાં TAT પાસ કરનારા અને જો ત્યારબાદ પણ બેઠક ખાલી રહેશે તો માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક-વ્યવસાયિક સ્નાતક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક સાથે વ્યવસાયિક સ્નાતકની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની અરજી સ્વીકારવાની આગળની કાર્યવાહી કરાશે. આ જગ્યા પર ભરતી માટે ગુરુવારથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ છે અને ઉમેદવાર 15 જુલાઈ સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 18 જુલાઈએ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ 20 જુલાઈએ પ્રથમ રાઉન્ડ માટે દસ્તાવેજ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્યારબાદ 22 જુલાઈએ બીજા રાઉન્ડ અને 24 જુલાઈએ ત્રીજા રાઉન્ડની કાર્યવાહી થશે. ભરતીની ઈચ્છા ધરાવતા ઉમેદવારે પોર્ટલ પર જઈને ઓનલાઈન માધ્યમથી જ અરજી સબમિટ કરવાની રહેશે.


