લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.
રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રણજીતસિંહ નટવરસિંહ જાડેજાની જગ્યામાં ભવ્ય ગૌશાળા તથા ગૌવંશ હોસ્પિટલની 24 કલાક અવિરત સેવા મળશે
હાલમાં 200 ગૌવંશોને આશ્રય. એક વર્ષમાં 1000 ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જીલ્લાનાં લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા(ગામ–વાગુદડ)એ સેવાના કાર્ય માટે વાપરવા આપેલ 2 એકર જગ્યામાં ગૌશાળામાં જ ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ પામશે.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટનો 1000 થી વધુ ગૌવંશની સારવાર કરવી એ જ દ્રઢ સંકલ્પ છે. વિશ્વ કલ્યાણના સંકલ્પ થકી ઈશ્વરનો રાજીપો પ્રાપ્ત કરવો તથા આ સંકલ્પને પૂર્ણ કરવા ભારત ભૂમિના સંતોના આર્શિવાદ થકી આવનારા સમયમાં કર્મયોગનાં માર્ગ પર કાર્યશીલ રહી કાર્ય કરવામાં આવશે. હાલમાં પણ સંસ્થા દ્વારા 200 ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઇ રહી છે.
ભારતમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગૌસેવા, જીવદયા તથા પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. જોકે આજે મોટાભાગની ગૌશાળાઓ માત્ર નિરાધાર ગાયોના આશ્રયસ્થાન તરીકે કાર્યરત છે. જો ગૌશાળાઓને આધુનિક સુવિધાઓ, સંસ્કાર, શિક્ષણ, પ્રકૃતિ અને પર્યટન સાથે જોડીને “ગૌતીર્થ” અને “કાઉ ટુરિઝમ” તરીકે વિકસાવવામાં આવે તો તે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે અને સાથે જ ગૌશાળાઓ આત્મનિર્ભર પણ બની શકે છે.
આ પ્રોજેક્ટનો હેતુ માત્ર ગાયોની સેવા પૂરતો નથી, પરંતુ નાના બાળકોથી લઈને વડીલો સુધીના દરેક વયજૂથને એક જ સ્થળે શિક્ષણ, સંસ્કાર, મનોરંજન, આધ્યાત્મિકતા અને પ્રકૃતિનો અનોખો અનુભવ કરાવવાનો છે. ગૌતીર્થમાં દેશી ગાયોની વિવિધ જાતિઓનું પ્રદર્શન, ગૌ સંસ્કૃતિ મ્યુઝિયમ, ડિજિટલ માહિતી કેન્દ્ર, ઓર્ગેનિક ફાર્મ, ગૌ આધારિત કુદરતી ખેતીના જીવંત પ્રયોગો, પંચગવ્ય સંશોધન કેન્દ્ર, બાળકો માટે ગૌ થીમ પાર્ક, મીની એનિમલ વિલેજ, નેચર ટ્રેઇલ, બળદગાડાની સફર, ગ્રામ્ય જીવનનો અનુભવ, ગૌ કેફે, પરંપરાગત ભોજન, ફોટો ઝોન તેમજ ગૌ રેસ્ક્યુ સેન્ટર અને આધુનિક પશુ હોસ્પિટલ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બાળકો માટે પરંપરાગત ગ્રામ્ય રમતોની સાથે આધુનિક શહેરી રમતો અને મનોરંજન આધારિત પ્રવૃત્તિઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ આનંદ સાથે શિક્ષણ, જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેનો લગાવ પણ કેળવી શકે.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જીલ્લાનાં લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા(ગામ–વાગુદડ)એ સેવાના કાર્ય માટે વાપરવા આપેલ 2 એકર જગ્યામાં ભવ્ય ગૌશાળા તથા ગૌવંશ માટે ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ ગયું છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલ હોસ્પિટલમાં રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા ગૌવંશને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. જીવદયાના તથા ગૌશાળા, નવનિર્મિત હોસ્પિટલના કાર્યને આગળ ધપાવવા માટે અનુદાન આપવા શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ઓમ છાયા, ભાવિનભાઈ રાવલ, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા, એડવોકેટ યશ વૈષ્ણવે જીવદયા પ્રેમી જનતાને અપીલ કરી છે.


