વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો
ગામના ૭૫ ટકા વિસ્તારમાં પાણી પહોંચાડતી બે ટાંકીઓ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ; પંચાયતે લગાવ્યા ચેતવણી બોર્ડ
અગ્ર ગુજરાત, વીરપુર
સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) ખાતે પાણી પુરવઠા બોર્ડની બે વિશાળ પાણીની ટાંકીઓ અતિ જર્જરિત હાલતમાં પહોંચી જતાં સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. વીરપુરના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં સરકારી હોસ્પિટલની પાછળ આવેલી આ ટાંકીઓ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી આસપાસના રહેણાંક વિસ્તાર માટે મોટો જીવલેણ ખતરો ઉભો થયો છે.
વીરપુર ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ, અંદાજે ૩૦ થી ૩૫ વર્ષ જૂની આ બન્ને ટાંકીઓમાંથી ગામના અંદાજે ૭૫ ટકા વિસ્તારમાં દૈનિક પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવે છે. એક તરફ સમગ્ર ગામની પાણી વ્યવસ્થા આ ટાંકીઓ પર નિર્ભર છે, તો બીજી તરફ તેની જર્જરિત સ્થિતિને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
ટાંકીઓની આજુબાજુ ગીચ રહેણાંક વિસ્તાર આવેલો છે તેમજ નજીકમાં સરકારી હોસ્પિટલ પણ આવેલી હોવાથી જો ટાંકીઓ ધરાશાયી થાય તો આસપાસના મકાનોને ભારે નુકસાન પહોંચવાની સાથે નિર્દોષ લોકોના જીવ પર પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
આ ગંભીર પરિસ્થિતિ અંગે વીરપુરના તલાટી કમ મંત્રી અક્ષયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, સંભવિત દુર્ઘટના અટકાવવા અને લોકોને સાવચેત કરવા ગ્રામ પંચાયત દ્વારા ટાંકીઓની બંને બાજુ સ્પષ્ટ ચેતવણી આપતા નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. બોર્ડમાં મિલકત જર્જરિત હોવાથી ગમે ત્યારે પડી શકે છે, તેથી આસપાસ અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે, પાણી પુરવઠા બોર્ડ તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી કરે. ગામના પાણી પુરવઠામાં વિક્ષેપ ન પડે તે માટે સૌપ્રથમ અન્ય યોગ્ય સ્થળે નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવે અને ત્યાંથી નિયમિત પાણી પુરવઠો શરૂ થયા બાદ જ હાલની જર્જરિત ટાંકીઓને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા આજે ફરી એકવાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ ઉઠાવવામાં આવી છે.


