ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં અષાઢી બીજની ઉજવણી કરાશે
મંદિરમાં બિરાજતા જગન્નાથજીનું પૂજન, આરતી, સત્સંગનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં અષાઢ સુદ બીજને ગુરુવાર, તા.૧૬ જુલાઇના રોજ સાંજે ૫-૩૦ થી ૭-૩૦ દરમ્યાન ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધાભક્તિપૂર્વક અષાઢી બીજનું પર્વ ઉજવાશે. ધૂપ-દીપ અને પુષ્પોની સુવાસથી મહેકતા ગીતા મંદિરના પ્રાર્થનાસત્સંગ સભાખંડમાં બિરાજમાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી,બળદેવજીની દર્શનીય પ્રતિમાઓને સુંદર વસ્ત્રાલંકારોથી સુશોભિત કરવામાં આવશે. સાંજે ૫-૩૦ કલાકે જય જગન્નાથના જયઘોષ સાથે જગન્નાથજી, સુભદ્રાજી,બળદેવજીની આરતી થશે. મગ ચણાની પવિત્ર પ્રસાદીનું વિતરણ થશે.આ તકે મહિલા સત્સંગ મંડળના બહેનો સામૂહિક ભજન-સત્સંગ કરશે.તેમજ આ પ્રસંગમાં સામાજિક, ધાર્મિક અગ્રણીઓ,જંકશન-ગાયકવાડીના વ્યાપારીઓ, દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગીતા વિદ્યાલય ટ્રસ્ટના મંદિર પરિસરમાં સંસ્થાની સ્થાપનાના વર્ષોથી શ્રી જગન્નાથજી બિરાજમાન છે. જ્યાં છેલ્લા ૬ દાયકાથી ભગવદ્દગીતા અને માનવસેવાનો ગુંજારવ થઇ રહ્યોછે તેવા દેવસ્થાન ગીતા વિદ્યાલય-ગીતા મંદિરમાં અષાઢી બીજની ઉજવણીમાં સહભાગી થવા સર્વે ભાવિકોને ગીતા વિદ્યાલય પરિવારે હાર્દિક અનુરોધ કરેલ છે.


