વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત
SOG એ 200 ટન રેતી સાથે ડમ્પર ડિટેઇન કર્યું, પડધરી પોલીસે 250 ટનના ગેરકાયદે સ્ટોક મામલે કરી કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરી તાલુકાના વણપરી ગામ નજીક ગેરકાયદે રેતીના સંગ્રહ અને વહન સામે પોલીસ દ્વારા એક જ વિસ્તારમાં બે અલગ-અલગ કાર્યવાહી હાથ ધરાતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામ્ય એસઓજી અને પડધરી પોલીસે સંયુક્ત રીતે કુલ અંદાજે 450 ટન રેતીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને કેસમાં ખાણ-ખનીજ વિભાગને કમ્પાઉન્ડિંગ રિપોર્ટ મોકલી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના સૂચનાના અનુસંધાને ગેરકાયદે ખનન અને ખનીજના પરિવહન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. મિશ્રા અને તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વણપરી ગામ નજીક બોડીઘોડી રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ધર્મેશ કાના ખુંગલા (ઉં.વ. 35, રહે. વણપરી) રોયલ્ટી વિના સાદી રેતીનો ગેરકાયદે સંગ્રહ કરી તેનું વહન કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે 200 ટન રેતી, જેની કિંમત આશરે રૂ. 1 લાખ થાય છે, જપ્ત કરી ડમ્પર ડિટેઇન કર્યું હતું. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ મોકલી દંડાત્મક કાર્યવાહી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, પડધરી પોલીસ મથકના પીઆઈ એમ.જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળની ટીમે પણ વણપરી-બોડીઘોડી રોડ પર મોટી માત્રામાં રેતીનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસમાં અશ્વિન છનુ વાળાએ અંદાજે 200થી 250 ટન રેતીનો સ્ટોક કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં તેણે રેતી રોયલ્ટી સાથે ખરીદ્યાનો દાવો કરી મકાનના બાંધકામ તેમજ સગા-સંબંધીઓના ઉપયોગ માટે મંગાવ્યાનું જણાવ્યું હતું. જોકે, નિયમ મુજબ સ્ટોક રજિસ્ટર જાળવવામાં આવ્યું ન હોવાથી અને ગેરરીતિપૂર્વક મોટા પ્રમાણમાં રેતીનો સંગ્રહ કરી વેચાણ થતું હોવાની શંકા ઉભી થતાં પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પણ ખાણ-ખનીજ વિભાગને કમ્પાઉન્ડિંગ રિપોર્ટ મોકલી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ગેરકાયદે ખનન અને ખનીજના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરાતા રેતીના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.


