વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG
જૂની અદાવતના ડરે સ્વબચાવ માટે હથિયાર રાખ્યાનો દાવો; મધ્યપ્રદેશથી પિસ્ટલ મંગાવ્યાની કબૂલાત, બે શખ્સોની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદે હથિયારો સામેની ઝુંબેશ દરમિયાન મોટી સફળતા મેળવી છે. વીરનગર નજીકથી જસદણ તાલુકાના કુંદણી ગામના એક નામચીન બુટલેગરને બે દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જૂની અદાવતના કારણે પોતાની સુરક્ષા માટે હથિયાર રાખ્યાનું જણાવ્યું છે. હથિયારો મધ્યપ્રદેશમાંથી મંગાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થતાં પોલીસે સપ્લાય ચેઇન સુધી તપાસનો દોર લંબાવ્યો છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે હથિયારો ધરાવતા તત્વો સામે કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એસઓજીના પીઆઈ એફ. એ. પારગીની દેખરેખ હેઠળ પીએસઆઈ જી. જે. ઝાલા અને તેમની ટીમ આટકોટ-જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વીરનગર નજીક હનુમાનજી મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા મહેશ ઉર્ફે મહાવીર બાવકુ ખાચર (ઉ.વ. 24, રહે. કુંદણી, તા. જસદણ)ને કાબૂમાં લીધો હતો. તેની તલાશી લેતા બે દેશી પિસ્ટલ અને ચાર જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે મહેશ ઉર્ફે મહાવીર સામે અગાઉ જસદણ અને ભાડલા પોલીસ મથકોમાં દારૂબંધીના છ ગુનાઓ નોંધાયેલા છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે બોઘરાવદરના જયસુખ ઉર્ફે જસો વલ્લભભાઈ વાઘેલાએ તેનો સંપર્ક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરઝાપુરના શાકિલ મોહમ્મદ સાદિક મન્સૂરી સાથે કરાવ્યો હતો. આશરે દસ દિવસ પહેલાં શાકિલ આ બંને પિસ્ટલ અને કાર્ટીસ આપી ગયો હોવાનું પણ તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે. હથિયાર રાખવાનું કારણ પૂછતા આરોપીએ જણાવ્યું કે તેના પિતા દ્વારા લગભગ દસ વર્ષ પહેલાં થયેલા હત્યાના ગુનાને લઈને જૂની અદાવત ચાલી રહી છે અને પોતાને જાનનું જોખમ હોવાથી સ્વબચાવ માટે હથિયાર રાખ્યા હતા.
આટકોટ પોલીસ મથકે મહેશ સહિત શાકિલ મન્સૂરી અને જયસુખ ઉર્ફે જસો વાઘેલા સામે ગુનો નોંધી બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ હથિયાર સપ્લાયના સમગ્ર નેટવર્ક અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


