રાજકોટમાં સરકારી જમીન પર મનપાનું બુલડોઝર ફર્યું: ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉમિયા ચોક પાસે ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત
કરોડોની કિંમતી સરકારી જમીન પર ખડકાયેલા પાકા બાંધકામો અને દબાણો દૂર કરાવાયા
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન ‘ડીમોલીશન’ પાર પડાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી અને જાહેર જમીનો પર થયેલા ગેરકાયદેસર કબ્જાઓ મુક્ત કરાવવા માટે ફરી એકવાર કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત અને અત્યંત કિંમતી એવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ઉમિયા ચોક પાસે સરકારી જમીન પર વર્ષોથી ખડકી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામો પર આજે મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા આ સમગ્ર દબાણ દૂર કરી કરોડો રૂપિયાની સરકારી જમીન લાઈનદોરીમાં ખુલ્લી કરાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ઉમિયા ચોક નજીક પ્રાઇમ લોકેશન પર આવેલી સરકારી જમીન પર કેટલાક તત્વો દ્વારા મંજૂરી વિના પાકા અને કાચા બાંધકામો કરીને ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. આ અંગે અગાઉથી મળેલી ફરિયાદો અને આયોજનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ (TP) અને દબાણ હટાવ સ્ક્વોડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો અને જોતજોતામાં તમામ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા હતા.
૧૫૦ ફૂટ રિંગ રોડ જેવા ધમધમતા વિસ્તારમાં થયેલી આ મોટી કાર્યવાહીના પગલે આસપાસના અન્ય દબાણકર્તાઓ અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય પશ્ચિમ, પૂર્વ અને સેન્ટ્રલ ઝોનના મુખ્ય માર્ગો તેમજ સરકારી પ્લોટ પર થયેલા નાના-મોટા દબાણો સામે આ જ પ્રકારે બુલડોઝર એક્શન ચાલુ રાખવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને સરકારી મિલકતોનું રક્ષણ થઈ શકે.


