ભાડુ એર કન્ડિશનનું! વોલ્વો ડેપોમાં મુસાફરને લોકલ જેવી સુવિધા પણ નહી
વોલ્વો ડેપો વહેલો બંધ થઇ જતાં મુસાફરોને રાત્રી સમયે ભારે હાલાકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ના સામાજિક આગેવાન ચંદ્રેશભાઇ એમ. રાઠોડની યાદીમાં જણાવાયું છે કે રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમમાં લાંબા સમયથી ગુટલીબાજો નું રાજ ચાલે છે. વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ નો સમય સવારે 5 થી રાત્રિના 10 સુધી દર્શાવવામાં આવેલ છે. અને ત્યાં સુધી ડેપો ખુલ્લો રાખવો ફરજિયાત છે. પરંતુ તેમ છતાં લાંબા સમયથી ડેપોના જવાબદાર કર્મચારીઓ ગુટલી મારી વહેલા ઘર ભેગા થઈ જતા હોવાનું મારી જાણમાં આવેલ છે. ડેપો એક થી દોઢ કલાક વહેલો બંધ થઈ જતો હોવાના પગલે હજારો મુસાફરોને ભારે હાલાકી અને યાતનાઓ વેઠવી પડે છે. અને ડેપો નો વેઇટિંગ રૂમ બંધ હોવાથી ફરજિયાત ડેપો ની બહાર પ્લેટફોર્મ નંબર 1 પર બેસવું પડે છે. ત્યાં પંખા ની પણ સુવિધા ઉપલબ્ધ નથી. ભાડું એર કન્ડિશનનું વસૂલવામાં આવે છે અને પંખા જેવી સુવિધા પણ અપાતી નથી.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારો પણ આવી રહ્યા છે અને આ શહેર રંગીલુ શહેર છે અને 24 કલાક મુસાફરોની અવર-જવર રહે છે. વોલ્વો ડેપો માં રાઉન્ડ ધ ક્લોક (24 કલાક) વોલ્વો ડેપોની બસોની અવર-જવર રહેતી હોવા છતાં રાત્રે બંધ કરી દેવામાં આવે છે. હું ચંદ્રેશભાઇ રાઠોડ તારીખ 10/07/2026 શુક્રવાર ના રોજ રાત્રે 9:15 કલાકે મારે બરોડા જવાનું હોય આ અંગે માહિતી અને ટિકિટ લેવા માટે રૂબરૂ જતા વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ માં અંધારું હતું અને લાઇટો પણ બંધ હતી કોઈ કર્મચારી કે અધિકારીઓ ઉપસ્થિત હતા નહીં ત્યાં પૂછપરછ કરતા કેન્ટીન ચલાવતા કર્મચારીએ જણાવ્યું કે રોજ રાત્રે 8:30 થી 9:00 ની આસપાસ બંધ થઈ જાય છે. આ અંગે અગાઉ પણ ફરિયાદો થઈ હોવાનું મારી જાણમાં આવેલ છે. આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, રાજકોટના ધારાસભ્ય, ગુજરાત રાજ્ય ના એમ.ડી, વિભાગીય નિયામક રાજકોટ, વિરોધ પક્ષ ના ધારાસભ્ય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે (1) વોલ્વો ડેપો નો વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે 2:00 વાગ્યા સુધી ખુલ્લો રાખવો (2) રાજકોટ થી ઉપડતી વોલ્વો ડેપો ની ઈલેક્ટ્રીક બસો અને વોલ્વો ડેપો ની બસો અંગેના સમયપત્રક લગાવવા (3) છેલ્લા છ માસના સીસી ફૂટેજ મેળવી વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ એક થી દોઢ કલાક વહેલો બંધ થતો હોય તો જવાબદારો સામે કડક પગલાં ભરવા. (4) વોલ્વો ડેપો અંગે રાઉન્ડ ધ ક્લોક પૂછપરછ બારી શરૂ કરો (5) પૂછપરછ બારી અંગેના સાઈન બોર્ડ મુકાવો. (6) વોલ્વો બસોના એડવાન્સ બુકિંગ અંગે 24 કલાકનો ઇન્કવાયરી નંબર તાત્કાલિક જાહેર કરો.


