શહેરની ૮૯ શાળામાં આહાર પહોંચતા પીએમ સેન્ટ્રલાઇઝ કિચનની ચકાસણી કરતું આયોગ
જનાના હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સુવિધા-સારવારની સમીક્ષા : સ્વચ્છતા રાખવા કર્મચારીઓને તાકીદ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તેમજ સભ્ય અમૃતાબેન અખિયાં અને કમલેશભાઈ રાઠોડે આજરોજ રાજકોટની જનાના હોસ્પિટલ, પી.એમ. પોષણ યોજનાના સેન્ટ્રલાઈઝ્ડ કિચન, પોલીસ હેડ ક્વાર્ટર ખાતેની આંગણવાડી, મહિલા પોલીસ સ્ટેશન તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં આ તમામ સ્થળો ખાતે મહિલાઓ અને બાળકોને અપાતી વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આયોગની ટીમે જનાના હોસ્પિટલના આઉટબોર્ન એન.આઈ.સી.યુ., ન્યુ બોર્ન ઓ.પી.ડી., પીડિયા-૨ સહિતના વિભાગોની મુલાકાત દરમિયાન દર્દીઓ માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી, તેમજ આયોગના ચેરમેન અને સભ્યોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહિલા દર્દીઓની મુલાકાત લઈ તેમના તથા તેમના બાળકોના ખબરઅંતર પૂછ્યા હતા.
ત્યારબાદ આયોગની ટીમે શહેરના લીમડા ચોક ખાતે પી.એમ. પોષણ યોજના અંતર્ગત કાર્યરત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલાઈઝ્ડ કિચનની મુલાકાત લીધી હતી. જેમાં અનાજના જથ્થાની ગુણવત્તા, રસોઈમાં વપરાતા મસાલાઓ, અન્ય સામગ્રી, વાસણો તેમજ સ્વચ્છતા સહિતના તમામ પાસાંઓનું નિરીક્ષણ કર્યું હતું.
આયોગની ટીમે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાતમાં દીકરીઓ સાથે સંવાદ સાધી શાળામાં અપાતા શિક્ષણ, રહેવા-જમવાની વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની સવલતો અંગે જાણકારી મેળવી હતી, તેમજ પરિસરમાં અપાતી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી સજ્જતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાઈ સાહિબા અને જે.જે.પાઠક શાળામાં અભ્યાસ કરતી ૧૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ કેજીબીવીમાં વસવાટ કરી રહી છે.


