‘ઉમ્મીદ શિક્ષા રથ’ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ મેળવેલ બાળકો રાષ્ટ્રીય સ્તરની ‘બલૂન કાર સ્પર્ધા’માં ભાગ લેશે
વી.એમ.મહેતા ફાઉન્ડેશનની મહેનતને મળી સફળતા
અગ્ર ગુજરાત, રાજકોટ
વી.એમ.મહેતા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ‘ઉમ્મીદ શિક્ષા રથ’ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ મેળવી રહેલા બાંધકામ શ્રમિકોનાં બાળકો હવે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવવા જઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ આગામી ૧૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની WSRO–2026ની ‘બલૂન કાર કોમ્પિટીશન’ માં ભાગ લેશે.
છેલ્લા બે વર્ષથી કાર્યરત ‘ઉમ્મીદ શિક્ષા રથ’ પ્રોજેક્ટ દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને અક્ષરજ્ઞાન અને ગણિતનું પાયાનું જ્ઞાન આપવા સાથે તેમની સર્જનાત્મકતા, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક અભિગમને વિકસાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રોજેક્ટનું સંચાલન ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન શ્રી ડી. વી. મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. વી. એમ. મહેતા ફાઉન્ડેશન ‘ઉમ્મીદ શિક્ષા રથ’ના માધ્યમથી આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ પાથરવા સતત પ્રયત્નશીલ છે.
આ ‘બલૂન કાર કોમ્પિટીશન’ માટે વિદ્યાર્થીઓને બલૂનની હવાના દબાણથી ચાલતી કાર તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો, સર્જનાત્મક વિચારશક્તિ, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું પ્રાયોગિક જ્ઞાન મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે તૈયાર કરવામાં મુખ્ય શિક્ષક પારસ રાવલ વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે.


